ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલનું પત્તું કપાશે

બુધવાર, 5 ઑગસ્ટ 2020 (15:19 IST)
ભાજપનુ સુકાન સંભાળ્યા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાની ટીમ બનાવવા સક્રિય થયા છે. કમલમમાં આજે ભાજપ યુવા મોરચાના પદાિધકારીઓ  સાથે પાટીલે બેઠક યોજી ચર્ચા કરી હતી. સૂત્રોનું કહેવુ છેકે, હવે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદેથી ઋત્વિજ પટેલની વિદાય લગભગ નક્કી છે. આ ઉપરાંત ખંડણી ઉઘરાવવાથી માંડીને જાહેરમાં ગુંડાગીરી કરી ભાજપને બદનામ કરાનારાં ભાજપ યુવા મોરચાના ઘરભેગા કરવા સી.આર.પાટીલ વેતરણમાં જ છે. ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલ અમિત શાહ,આનંદીબેન પટેલના જૂથની બાદબાકી કરી પોતાની આગવી ટીમ રચવા કાર્યરત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સી.આર.પાટીલ પ્રદેશ સંગઠન પર પોતાનો કાબૂ રાખી માનિતાઓની નિમણૂંક કરશે તેવો કમલમમાં ગણગણાટ શરૂ થયો છે. પાટીદાર આંદોલન વખતે ઋત્વિજ પટેલને હાર્દિક પટેલની સામે મેદાને ઉતારાયા હતાં પણ તેમની કોઇ નોંધપાત્ર કામગીરી રહી ન હતી.  ભાજપ યુવા મોરચાના પ્રમુખપદે રહીને માત્ર બાઇક રેલી કે ત્રિરંગા રેલી યોજવા સિવાય કઇઁ કર્યુ નથી. બલ્કે  ઋત્વિજ પટેલના સાથી કાર્યકરો એ શહેરમાં ખંડણી ઉઘરાવવા, જાહેરમાં મારામારી કરવા,પોલીસ સાથે અણછાજતુ વર્તન કરવું જેવા કરતૂતો કર્યા હતાં જેથી ભાજપને રાજકીય બદનામી વહોરવી પડી છે.સી.આર.પાટીલ પણ આ વાતથી વાકેફ છે. આ જોતાં ભાજપના હોદ્દાના જોરે કાળા કારનામા કરનારાં કેટલાંયને પાટીલ વેતરી નાંખવાની ફિરાકમાં છે. આમ,પ્રદેશ સંગઠનમાં પાટીદાર નેતા ઋત્વિજ પટેલનુ પત્તુ કપાવવું લગભગ નક્કી છે. આગામી દિવસોમાં ભાજપ યુવા મોરચામાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર