જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની બેઠક - કોરોનાની સ્થિતિ જોઈને રથયાત્રાનો નિર્ણય થશે

શુક્રવાર, 11 જૂન 2021 (12:43 IST)
ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે જળયાત્રા નિયત પ્રોટોકોલ મુજબ યોજાશે અને રથયાત્રાનો નિર્ણય કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે.

ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું.ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું છે. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર