યુવાશક્તિ મોટા લક્ષ્ય સાથે ઇકોનોમીને ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા યોગદાન આપે : અમિત શાહ

શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (08:44 IST)
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે તમારા પાઠ્યક્રમના શિક્ષણનો આ અંત છે, પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવાની નવી ઇનિંગની શરૂઆત છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સદાય મોટું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસનો એક નાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું અને કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીયોનો આવો એક નાનો સંકલ્પ ભારતને ૧૩૦ કરોડ ડગલાં આગળ લઇ જશે. 
કેન્દ્રીય ગૃહમંત્રીએ પર્યાવરણના મુદ્દે ચિંતાનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું કે જો અત્યારે આપણે ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વિશે વિચારીશું નહીં તો ભવિષ્યમાં આપણા માટે વિશ્વને ક્લીન રાખવું દુષ્કર બની જશે. તેમણે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીને પ્લાસ્ટિક રિસાયકલિંગ અને ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના ક્ષેત્રે સંશોધન-વિકાસ અભ્યાસક્રમો શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએે પી.ડી.પી.યુ.ને વિવિધ શૈક્ષણિક સુવિધાઓ શરૂ કરવા માટે રૂ. ૨૭૫ કરોડની સહાય આપવાની પણ ઘોષણા કરી હતી. 
અમિત શાહે ઉમેર્યું કે, દેશને આગળ વધારવા માટે ઈશ્વરે તક આપી છે ત્યારે કઠોર પરિશ્રમ કરવો પડશે. દેશ આવનારા વર્ષે ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે, આપણે  નવી ઊર્જા, નવા સંકલ્પ સાથે આગળ વધવુ પડશે. ગાંધી જયંતિએ પ્લાસ્ટિક મુક્ત ભારત નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિક પર નિયંત્રણનું અભિયાન હાથ ધરાનાર છે તેમાં સૌ દેશવાસીઓ સક્રિય યોગદાન આપવા સંકલ્પબદ્ધ બનશે તેવી મને શ્રદ્ધા છે.
 
અમિત શાહે ૨૦૧૪ પૂર્વેની દેશની સ્થિતિ અને હાલની સ્થિતિની વિશદ છણાવટ કરતા જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં મોંઘવારી ૯ ટકા રહેતી હતી જે અત્યારે ૩ ટકાથી નીચે છે. ફિસ્કલ ડેફિસિટ ૫ ટકાની નજીક હતી જેને આજે ૩.૩ ટકા સુધી લાવવામાં સફળ રહ્યાં છીએ. IMF આગામી બે વર્ષમાં ભારતને સૌથી ઝડપી વિકાસ કરવાવાળી ઈકોનોમીનું આશ્વાસન આપ્યું છે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વર્ષ ૨૦૧૮-૧૯માં FDI ૫૬ મિલિયન ડોલર થયું છે. ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેશમાં વર્ષ-૨૦૧૪માં આપણે ૧૪૨માં સ્થાને હતા. આજે આપણે ૭૭માં સ્થાને છીએ જે આપણા માટે મોટી સિદ્ધિ છે. જેના પરિણામે વિશ્વભરના રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. WEFના વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્ષમાં ભારત આજે ૫૮માં ક્રમે છે. દેશમાં જીએસટીનો અમલ કરક્ષેત્રે સૌથી મોટો સુધારો સાબિત થયો છે.
 
અમિત શાહે પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રચંડ વિકાસ સંભાવના સંદર્ભે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. એનર્જી અને પેટ્રોલિયમ ક્ષેત્ર વિના આ લક્ષ્યાંક અધૂરો છે, ત્યારે આ બેય ક્ષેત્રે હોનહાર યુવાશક્તિએ પદાર્પણ અને યોગદાન કરવાનું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર