હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર બન્યાં, શહેરના પાંચમાં મેયરની વરણી કરાઈ

ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (12:04 IST)
ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે મેયરની વરણી કરાઇ છે. જ્યારે બપોર બાદ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. જ્યારે વોર્ડ નંબર - 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ - 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.કોર્પોરેશનની મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં હતાં. બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાઇ છે. આજે સવારે મળેલી સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયર પદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. સવારે ભાજપ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો.મનપામાં મેયર સહિતના પદાધિકારીઓના નામ અંગેની ચર્ચા બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી. મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને બહાર હોવાને પગલે બુધવાર સવાર સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે બપોર બાદ શોર્ટ નોટિસમાં મોડી સાંજે બેઠક બોલાવી દેવાઈ હતી. જેમાં મનપાના પદાધિકારીઓની નામની ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં થયેલા જૂથવાદના અનુભવોને જોતા આ વખતે ખભે-ખભા મિલાવીને કામ કરે તેવા પદાધિકારીઓ પર ભાર મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર