ત્રીજી લહેરની સંભાવના છે તો માસ્કનો દંડ નહી ઘટે, રકમ મોટી હશે તો લોકો શિસ્તમાં રહેશે
શુક્રવાર, 2 જુલાઈ 2021 (17:46 IST)
રાજ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દરરોજ 100થી નીચે કેસ નોંધાઇ રહ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકાની ઉપર પહોંચી ગયો છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકાર તરફથી કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી.
કમલ ત્રિવેદીએ માસ્કના દંડની રકમ ઘટાડવાને લઇને રજૂઆત કરી હતી કે લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. આ ઉપરાંત એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કરફ્યૂનો સમય ઘટાડવા આવે . માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂંટ ચલાવે છે. તેથી માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવે.
ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ત્રીજી લહેર ન આવે એ માટેના પ્રયાસો કરવાની ટકોર કરી હતી. સાથે જ લોકોને માસ્ક પહેરવા જાગ્રત કરવા કહ્યું છે, જેથી કોરોનાનું સંક્રમણ ફરી ન વધે. ઉપરાંત રાજ્યમાં માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.
હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહેશે? લોકો શિસ્તમાં રહેશે એની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોએ માસ્ક પહેરાવું એ જ વિકલ્પ છે. દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં ત્રીજી લહેરને લઈ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઉભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ધનવંતરી રથ સહિતની વ્યવસ્થા વધારવાનું આયોજન વિશે સોગંદનામામાં રજુઆત કરાઈ હતી.
કોરોના મામલે સુઓમોટો અરજીમાં સરકારે ત્રીજી લહેરને રોકવા કયાં પગલાં લીધાં છે એ અંગે સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે સરકારે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા વેરહાઉસમાં 1,45,285 ઇન્જેકશનનો સ્ટોક કર્યો છે અને 6911 વેન્ટિલેટરને પણ તૈયાર કર્યાં છે.
દરેક ઓફિસ, મોલ, સિનેમાઘરો અને તમામ જગ્યાએ કર્મચારીઓને ફરજિયાત 10મી જુલાઇ સુધીમાં વેક્સિન લેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સપ્ટેમ્બર સુધીમાં 80 ટકા લોકોને વેક્સિન આપી દેવાનું સરકારનું લક્ષ્ય છે.