હવામાન વિભાગની આગાહી, નવસારી, તાપી અને વલસાડમાં પડશે અતિભારે વરસાદ

બુધવાર, 24 જૂન 2020 (11:20 IST)
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી
 
ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે તંત્ર દ્વારા મિટીંગનો દૌર શરૂ થઇ ગયો છે. ત્યારે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.22/6/2020 સુધીમાં 111.31 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 11.46% છે. રાજ્યના કચ્છ જિલ્લાના  લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ 1 મીમી થી લઈ 343 મીમી સુધી નોંધાયો છે. 
 
ચોમાસાની સિઝનની શરૂઆતથી જ વાવણી લાયક વરસાદ જોતાં ખેડૂતોમાં સારા પાક ઉત્પાદનની આશા છે. સિઝનના અઠવાડિયામાં રાજ્યમાં સાડા તેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ અઠવાડિયામાં સિઝનનો 30 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ બેસે છે. વરસાદ ક્યારે કેટલો આવી શકે છે તેવી હવામાન વિભાગ આગાહીઓ કરતું હોય છે. આ સિઝનમાં ગુજરાતમાં શરૂઆતથી જ વરસાદ સારો થયો છે.
 
IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  ચાલુ વર્ષે અંદાજીત 28.44 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.તા.22/6/2020 સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 14.99 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 33.50% વાવેતર થયુ છે. 
 
આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર