પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલા હાર્દિકે મૂંડન કરાવી વિરોધ નોંધાવ્યો
સોમવાર, 22 મે 2017 (12:00 IST)
પાસ કન્વીનર હાર્દિક પટેલ ફરીવાર સરકાર સામે બાથ ભીડવા તૈયાર થઈ ગયો છે. અનામત માટે સરકાર સામે સવાલો રાખનાર હાર્દિક હવે તેના અસલ આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યો છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત છે ત્યાં તેનું આંદોલનનું રણશિંગુ ફૂંકાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને ટૂંક સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાર્દિક અને પાટીદારોને મનાવવાની કોશિશો કરવામાં આવી રહ્યા છે ત્યારે PMના ગુજરાત આગમના થોડાક જ કલાકો અગાઉ હાર્દિક પટેલ અને પાસના સભ્યોએ બોટાદમાં ગુજરાત સરકાર સામેના વિરોધને તેજ બનાવવાના પ્રયાસો કર્યા છે.
હાર્દિકે પાટીદાર યુવાનો અને પાસના કાર્યકરો સાથે મુંડન કરાવીને ભાવનગર શહેરમાં ન્યાય યાત્રા અને સભાનું આયોજન કર્યું હતું. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અનામત માટે આંદોલન ચાલે છે અને સરકાર દ્વારા આ આંદોલનને તોડવાના પ્રયાસો થાય છે. પાટીદાર સમાજ ઉપર સરકાર દ્વારા જો હુકમી ચલાવી જુદી જુદી રીતે દમન ગુજારી અત્યાચાર કરેલ છે. તેના વિરોધમાં આ પરિવર્તન યાત્રા લઈને અમે નીકળ્યા છીએ અને એસસી એસટી ઓબીસીના તમામ સમાજના લાભાર્થે આ આંદોલન કરવામાં આવ્યું છે. સરકાર સામે લડવું દેશ દેશદ્રોહ છે. અમે તો દેશભક્ત છીએ સમય આવ્યે સિમ્બોલ ઠોકી બતાવી દઈશું. ન્યાય યાત્રા અને સભા યોજીને હાર્દિક અને પાસના સભ્યો દ્વારા સરકાર સામેના વિરોધ પ્રદર્શનને વધુ આક્રામક બનાવવાનો પ્રયાસો કરાયો હતો. આ સાથે યાત્રા યોજીને સવર્ણોને અનામતનો લાભ, મોંઘું શિક્ષણ, ન્યાયની કથળેલી સ્થિતિ સહિતના પ્રશ્નોની વાત રજૂ કરવામાં આવી હતી.