શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રૂપાણી સરકાર સામે મોરચો ખોલ્યો

મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (12:27 IST)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરતાની સાથે જ રાજ્યની વિજય રૂપાણી સરકારને વિપક્ષ દ્વારા તમામ મોર્ચે ઘેરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ તમામ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે. તો કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ યુવાનોને ન્યાય મેળવા ઘરની બહાર નીકળી ગાંધીનગર સુધી પહોંચવા આહ્વાન કરી રહ્યા છે. તો બીજી તરફ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ-3ની 3500 જગ્યાની ભરતી પરીક્ષા રદ કરવાના નિર્ણયની સાથે જ રાજ્યની વિજય રૂપાણી સરકારને વિપક્ષ અને અપક્ષ ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ગૌણ સેવાની આ પરીક્ષામાં વર્ગ 3ની 3500 જગ્યા સામે રાજ્યના 10 લાખ 45 હજાર યુવાનોએ ફોર્મ ભર્યા હતા. પરીક્ષા તો રદ કરવામાં આવી પરંતુ સાથે હવે આ પરીક્ષા 12 પાસ નહીં પણ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતના આધારે લેવામાં અવાનો પણ નિર્ણય કરતા અનેક યુવાનોએ સરકાર સામે પોતાનો રોસ ઠાલવ્યો છે.આ મામલે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું કે, 'ગુજરાતના યુવાઓને રોજગારીના નામે ક્રૂર મસ્કરી કરી રહી છે. મંત્રીઓને સ્ટાફના માણસો નોકરી આપવામાં લાગ્યા હોય ને ગરીબ તેજસ્વી વિદ્યાર્થીને નોકરી મળતી નથી. આ નોકરીઓ માટે અરજીઓ લેવામાં આવી 3 ફેબ્રુઆરી 2018ના રોજ પરીક્ષા લેવાશે અચાનક જ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. નવો ફતવો આવ્યો નવી તારીખ 20 ઓક્ટોબર 2019 જાહેર થાય છે દિવસ રાત યુવાઓ મહેનત કરે છે અને અચાનક જ પરીક્ષા રદ કરી દેવામાં આવે છે. હું માંગ કરું છું આવા તઘલખી નિર્ણય કરનાર સામે પગલાં લેવામાં આવે તૈયારી કરનાર બધા વિદ્યાર્થીઓને વળતર આપવું જોઈએ. આ ભરતીમાં કોઈ ફેરફારના કરવામાં આવે. આ નોકરી ગોઠવણ કરનારને ન મળે અને સાચાઓને મળે અને ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસ થાય એવી માંગ કરું છું.' હાર્દિક પટેલએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું કે, 'બિન સચિવાલયની પરીક્ષામાં 10 લાખ યુવાનોએ આવેદન કર્યું અને અચાનક પરીક્ષા રદ થઈ. પરંતુ પાંચ હજાર યુવાનો પણ ગાંધીનગર પહોંચ્યા નહીં. જે યુવાનો સાથે અન્યાય થયો છે તેમને જ લડવું નથી તો પછી તમારા માટે ઠેકો કોણ લેશે!' અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, 'એક વર્ષથી સંઘર્ષ કરતાં, ઘરેથી દૂર એક શહેરમાં આવી એક નાની રૂમમાં, એક ટંક ખાઈને ક્લાસની ફી ભરીને હજારો રૂપિયાની પુસ્તકો વસાવી દિવસ રાત મહેનત કરતાં યુવાઓ જ્યારે પરીક્ષા આપવાની તારીખે તહેવાર અને પરિવાર ભૂલી માત્ર પરીક્ષા આપવાની જ રાહ જોતા હોય ત્યારે તમારી સ્વઘોષિત ‘સંવેદનશીલ’ સરકાર, કઠોર નિર્ણય કેટલી નિર્દયતાથી લઈ શકે છે, એનું મોટું ઉદાહરણ આજે સામે છે. આમ પણ રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલી તમારી સરકાર હવે રોજગારીને નામે લોકોને મહેનત કરાવીને આખરે મજાક કરી રહી છે.