અમદાવાદના GMDCમાં પાટીદારો પર થયેલા લાઠીચાર્જ મામલે હાર્દિક પટેલે મેટ્રો કોર્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોર્ટમાં 18માં સાક્ષી તરીકે જુબાની આપતાં તેણે GMDCની ઘટનાને જલિયાવાલા બાગ કાંડ ગણાવ્યો હતો. તેણે જુબાનીમાં જણાવ્યું કે 8 વાગે 2 હજાર લોકોને ડરાવવા, ધમકાવવા અને હત્યા કરવાના ઈરાદાથી સરકારના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્દિકે પોલીસ તંત્ર પર સીધો આરોપ મૂક્યો કે 15થી 16 હજાર જેટલાં પોલીસ દ્વારા લાઈટ બંધ કરીને અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ 25 ઓગસ્ટ, 2015માં યોજાયેલી પાટીદાર મહારેલી પર પોલીસ લાઠીચાર્ક મામલે સાક્ષી આપવા માટે પહોંચ્યા હતા. તેમણે કોર્ટમાં જણાવ્યું કે પાટીદારોએ ડરાવવા માટે રાત્રે આઠ વાગે લગભગ 16 હજાર પોલીસવાળા જીએમડીસી મેદાન પર હાજર બે હજાર પાટીદાર લોકો પર તૂટી પડ્યા. આ ઘટના જલિયાવાલા બાંગ જેવી જ હતી. હાર્દિક પટેલે કહ્યું હતું કે 25 ઓગષ્ટે GMDCમાં અનામત માટે આંદોલન કરતા હતા. 25 ઓગષ્ટની સવારે 7 કલાકે લાખો લોકો હાજર હતા. હું લાખો લોકો વચ્ચે મંચ પર નેતૃત્વ કરતો હતો, લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે. ભારતનું બંધારણ બોલવાની,આંદોલન કરવાની મંજૂરી આપે છે. સમગ્ર ગુજરાતમાં 200થી વધુ રેલી,સભાઓ યોજાઈ હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે લોકતંત્રમાં દરેક વ્યક્તિને આંદોલન કરવાનો તથા પોતાના અધિકારોની માંગ કરવાનો હક છે. પાટીદાર અનામતની માંગને લઇને આંદોલન કરી રહ્યા હતા, પરંતુ સરકારના ઇશારા પર પોલીસએ પાટીદારો પર દમન કર્યું.