ફરી ગઇ ભેંસ પાણીમાં!!‍ પરીક્ષા પૂરી થવાના અડધો કલાક પહેલા ધોરણ-10 નું પેપર થયું વાયરલ

શનિવાર, 9 એપ્રિલ 2022 (15:16 IST)
હાલમાં ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પેપર વાયરલ થયુ છે. પેપર પુરૂ થવાને હજુ અડધો કલાક જેટલો સમય બાકી હતો ત્યારે ધોરણ 10 નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. સૌથી મોટી વાત એ છે કે આ પેપર હાથથી સોલ્વ કરાયેલુ છે અને તે ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે.
 
ધોરણ 10 ની પરીક્ષા પુરૂ થાય તેના અડધો કલાક પહેલાં પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું. જેને લઇને ખળભળાટ મચી ગયો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે સોલ્વ કરેલું પેપર અને આજે પુછાયેલું બંને એક સરખા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 મા હિન્દીના પેપરના જવાબો ફરતા થયાની ઘટના બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગંભીરતાથી લેવાઈ છે. દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ અપાયા છે. 
 
પેપર વાયરલ મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યુ કે, રાજ્યના શિક્ષણ મંત્રીના દાવાઓને પડકારતી ઘટના બની છે. હવે હંમેશાની જેમ સરકાર અને બોર્ડની તપાસ કરવાની જૂની કેસેટ વાગશે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટિકના કારણે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી આની સીધી જવાબદારી સ્વીકારે. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે પણ આ મામલે જવાબ આપે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર