ડૂબાણમાં ગયેલુ પ્રાચીન હાફેશ્વર મંદિર એક સપ્તાહમાં આખુ બહાર આવે તેવી શક્યતા
મંગળવાર, 20 માર્ચ 2018 (14:45 IST)
નર્મદાના પ્રવાહમાં ડૂબાણમાં રહેલું કવાંટ તાલુકાના હાફેશ્વરનું પૌરાણિક મંદિર ૧૮ વર્ષે પાણીની બહાર આવ્યુ છે.નર્મદા ડેમ બન્યા પછી ડૂબાણમાં ગયેલા ગામને પગલે આખું મંદિર ડૂબી ગયુ હતુ. આ વર્ષે આશરે ૧૮ વર્ષ બાદ આ સીઝનમાં હજી એક મહિના પહેલા તો મંદિરની ટોચ કે ધજા પણ દેખાતી ન હતી. હવે આખો મુખ્ય ગુંબજ ખુલ્લો થયો છ ે તો, મંદિર ગર્ભગૃહની બાજુના બે મંજલી મકાનમાંથી એક મંજલ આખો જ ખુલ્લો થઇ ગયો છે. નર્મદા સરોવરની ઘટતી સપાટીનું માપ કાઢવા હાફેશ્વર પાસેનો સ્પોટ પણ લોકો માટે મહત્વનું પરિણામ બની ગયેલું છે.
અત્રે પાણી ઘટતાં હાફેશ્વર મંદિર પહોંચવા બોટીંગ પણ વિકસ્યુ છે. હવે હાફેશ્વર મંદિર પરિસરના નાના ગુંબજ પણ આખા ખુલ્લા થઇ ગયા છે. ફક્ત આઠ ફૂટ જળ સપાટી જમીનથી ઉંચી હોવાનું મનાય છે. પાછલાં દસ દિવસમાં જે રીતે નર્મદા સરોવરમાંથી પાણી ઉલેચાયુ છે તે દરમિયાન ૮ ફૂટ પાણી સપાટી ઘટી છે. જો આજ પ્રમાણે પાણી ઉલેચાતુ રહેશે તો આગામી સપ્તાહમાં હાફેશ્વર મંદિરનું પરિસર આખેઆખુ બહાર આવી જશે.