કોંગ્રેસમુક્ત ભારત માટે કોંગ્રેસયુક્ત ભાજપ - જળબંબાકાર ગુજરાતમાં હવે આયારામ- ગયારામની રેલમછેલ

શુક્રવાર, 28 જુલાઈ 2017 (13:08 IST)
ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાનના ભાગરૃપે આજે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી ભાજપને કૌભાંડી કહેનારા આ ત્રણે નેતાઓને ભાજપે વિધિવત આવકારી પણ લીધા છે. આ સાથે સંઘ અને ભાજપના પાયાના કાર્યકરોની અવગણનાનો સિલસિલો આગળ ધપ્યો છે. શંકરસિંહ અને અન્ય જૂથવાદી પ્રશ્નોથી કેટલાય સમયથી વિવાદમાં ફસાયેલા ગુજરાત કોંગ્રેસ પક્ષમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે જ કમઠાણ મચ્યું છે. 

એક માહિતી મુજબ ભાજપમાં કોંગ્રેસના ૧૧ થી વધુ ધારાસભ્યોને વિધાનસભામાંથી રાજીનામું અપાવી ભાજપમાં લાવશે. અને આમ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એહમદ પટેલ માટે એક પ્રકારનો પડકાર પુરવાર થશે.  રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે જેના આગલા દિવસે જ કોંગ્રેસ છોડીને ત્રણેય ધારાસભ્યો ભાજપમાં આવી ગયા છે.  વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા પરંતુ સત્તા માટે ભાજપમાં ગયા હોય તેવા ધારાસભ્યો - આગેવાનોની યાદી ધીરે ધીરે લાંબી થતી જાય છે. જો કે અમુક નેતાઓ કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળવાથી તો કેટલાક આગેવાનો પક્ષમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવીને ભાજપમાં જોડાઇ ગયા હતા. આવા નેતાઓની યાદી આ મુજબ છે.

 ૧. વિઠ્ઠલ રાદડીયા સાંસદ અને ઈફકોના વા. ચેરમેન (પોરબંદર) ૨. નરહરિ અમિન આયોજન પંચના ઉપાધ્યક્ષ (અમદાવાદ) ૩. જયેશ રાદડીયા કેબીનેટ મંત્રી (સૌરાષ્ટ્ર) ૪. પૂનમબહેન માડમ સાંસદ (જામનગર) ૫. જશા બારડ રાજ્યકક્ષાના મંત્રી (જૂનાગઢ) ૬. પ્રભુ વસાવા સાંસદ (બારડોલી) ૭. દેવજી ફતેપરા સાંસદ (સુરેન્દ્રનગર) ૮. રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય (હિંમતનગર) ૯. અરૃણસિંહ રાણા ધારાસભ્ય (વાગરા-ભરૃચ) ૧૦. છબીલદાસ પટેલ ભૂતપૂર્વ ધારાસભ્ય (અબડાસા) ૧૧. બાવકું ઊંધાડ ધારાસભ્ય (લાઠી) ૧૨. પંકજ દેસાઈ ધારાસભ્ય (નડિયાદ) ૧૩. દેવુસિંહ ચૌહાણ સાંસદ (ખેડા) ૧૪. બલવંતસિંહ રાજપૂત ધારાસભ્ય (સિધ્ધપુર) ૧૫. પ્રહલાદ પટેલ ધારાસભ્ય (વિજાપુર) ૧૬. તેજશ્રી પટેલ ધારાસભ્ય (વિરમગામ)

વેબદુનિયા પર વાંચો