સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિનું આંદોલન સમેટાયું, મસવાડી પહોંચ તથા વિગતદર્શક કાર્ડ રદ કરવામાં આવશે.

શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (13:08 IST)
આદિવાસીઓને બંધારણ મુજબ તેમના હક્કો મળી રહે અને હક્કોનું સંરક્ષણ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદિવાસીઓના હક્કો માટે પૂરતી તકેદારી પણ રાજ્ય સરકાર એટલી જ રાખી રહી છે. એટલે આજે સાચા આદિવાસી બચાવ સમિતિ પ્રેરિત આંદોલનના સભ્યો સાથે પરામર્શ કરીને તેમને રાજ્ય સરકારની લાગણી અંગે પરામર્શ કરતા તેમણે તેમનું આંદોલન સમેટી લીધું છે. 
 
આજે ગાંધીનગર ખાતે આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષે રચાયેલ મંત્રી મંડળની કમિટીની સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકારે આદિવાસીઓના અધિકારો આપવામાં કોઇ કચાસ રાખી નથી. રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઉભી રહી છે અને રહેશે જ. તેમણે સહેજ પણ ગભરાવાની જરર નથી, આ વાતાને તેઓએ સ્વીકારીને આ આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો છે.
 
ગણપતસિંહ વસાવાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર કાયમ માટે  આદિવાસીઓના પ્રશ્નોને વાચા આપવા તત્પર છે. તેમને તેમના અધિકારો સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતી દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોની સંપૂર્ણ હકારાત્મકતાથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોની પણ જાણકારી તેમને અપાઇ હતી. જેથી તેઓ સંતુષ્ઠ પણ થયા હતા. 
 
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પુરાવા તરીકે મસવાડી પહોંચ તથા વિગતદર્શક કાર્ડ રદ કરવામાં આવશે. 
 
મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે અનુસુચિત જનજાતિ તરીકેના નવા જાતિ પ્રમાણપત્ર આપવાનું તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજથી સ્થગિત કરવામાં આવે છે અને વિશ્લેષણ સમિતિ દ્વારા મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે ચકાસણી કરવાનું તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજથી સ્થગિત કરવામાં આવે છે. મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડના આધારે તા.૨૧-૦૧-૨૦૧૦થી આપેલ જાતિ પ્રમાણપત્રની ફરીથી ચકાસણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
૧૯૫૬ના નોટીફિકેશનનો યોગ્ય રીતે અમલ થાય તે માટે રાષ્ટ્રિય અનુસુચિત જનજાતિ આયોગને એક માસમાં દરખાસ્ત કરવામાં આવશે. પેરેન્ટ્સની વ્યાખ્યા માટે ભારત સરકાર પાસેથી માર્ગદર્શન મેળવવા અંગે દરખાસ્ત કરવાની કાર્યવાહી દિન-૧૦ માં પૂર્ણ કરવામાં આવશે અને તેના નિયમો દિન-૩૦માં આખરી કરાશે. નામ.ગુજરાત હાઇકોર્ટમાં ઠરાવ/પરિપત્ર બાબતે PIL No.132/2018, PIL No.237/2018, PIL No.171/2019 થયેલ છે. જેમાં આગામી મુદત પહેલાં આ ત્રણેય PILમાં એફીડેવીટ રજૂ કરાશે. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ યોગ્ય કાર્યવાહી થઇ શકશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં જી.પી.એસ.સી. દ્વારા કલાસ ૧ અને ૨ ના ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની પુનઃ ચકાસણી સ્થગિત કરેલ છે. આ અંગેની કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. નામ.સુપ્રિમ કોર્ટના માધુરી પાટીલના ચુકાદામાં આપેલ ગાઇડ લાઇન મુજબ વિશ્લેષણ સમિતિ કામગીરી કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર