ઉત્તરાખંડના કેદારનાથમાં ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ત્યાં ફસાયા છે. ચાર ધામની યાત્રાએ ગયેલા લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. રાજકોટના આશરે 30 યાત્રાળુઓ ફસાયા હોવાની વાત સામે આવી છે. આ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, અમારે મદદની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારથી જ બદ્રીનાથ હાઇવે પર બોલ્ડરના કારણે રસ્તા બ્લોક થઇ ગયા હતા. ભારત-ચીન સરહદને જોડતો હાઇવે પણ તમકમાં બંધ છે. સરહદી ચોકીઓ પર આવતા લશ્કરના વાહનો પણ બંધ થઈ ગયા છે. તમકમાં ડુંગરો પરથી સતત પથ્થરો પડવાના કારણે ચિંતાજનક સ્થિતિ છે અને પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ યાત્રીઓને મંગળવાર સુધી આ સ્થળે રહેવાની સલાહ આપી હતી.