ગુજરાતી ભાષા ન આવડતી હોય, તેવા ગુજરાતી બાળકોની સંખ્યામાં વધારો, વૈશ્વિક ભાષામાં ગુજરાતીનો ક્રમ ૨૬મો

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:52 IST)
અંગ્રેજી તરફની આંધળી દોટ વચ્ચે આજે મૂળ ગુજરાતી ભાષા મરી રહી છે. તેનો સૌથી મોટો અને જીવતો જાગતો પુરાવો અંગ્રેજી માધ્યમની વધી રહેલી શાળાઓ છે. એકલા અમદાવાદ શહેરમાં નજર કરવામાં આવે તો એક દશકામાં અંગ્રેજી માધ્યમની શાળામાં દશ ગણો વધારો થઇ ગયો છે. શિક્ષણ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર અને તેમાં નવા ભળેલા પરા વિસ્તારોમાં કુલ મળીને ત્રણેક હજાર જેટલી પ્રાથમિક શાળા છે. જેમાં ૧૭૨૧ જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ છે. આ ખાનગી શાળા પૈકી અંગ્રેજી માધ્યમની શાળા ૬૦૦ થી વધારે છે! પાયામાં જ અંગ્રેજીનું શિક્ષણ આ૫તી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આજે પુરતું ગુજરાતી બોલતા કે લખતા નથી આવડતું ! શિક્ષણ વિભાગના અધિકારીઓ કહે છે કે, આજથી એક દશકા ૫હેલા શહેરમાં હાલ છે તેનાથી માંડ દશમા ભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓ ૫ણ નહી હોય! એટલે કે ૬૦-૬૫ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત હતી. આજે કુલ કાર્યરત ખાનગી શાળામાંથી ૩૫ ટકા શાળા અંગ્રેજી માધ્યમમાં ચાલે છે! એક દશકામાં આ સંખ્યા વધીને ૫૫થી ૬૦ ટકા સુધી થઇ જશે. વૈશ્વિક પ્રવાહમાં જોડાઇ રહેવા માટે થુ્ર-આઉટ અંગ્રેજી બોલતા આવડે તે જરૃરી છે. ૫રંતુ અંગ્રેજીની આ ઘેલછા પાછળ આજે ગુજરાતી ભાષા ઉ૫ર ગંભીર જોખમ સર્જાયું છે. આજે 'ગુજરાતી' ભાષા આવડતી ન હોય તેવા ગુજરાતી બાળકોની સંખ્યા વધી રહી છે. આજના લોકસાહિત્યકારો કાર્યક્રમોમાં કહેતા સંભળાય છે કે અંગ્રેજી ભાષા ૫ત્ની જેવી છે, જ્યારે ગુજરાતી ભાષા 'મા' છે. ગુજરાતી ભાષામાં ભાવ છે. આ ભાષાના શબ્દો લાગણી પેદા કરી શકે છે. ૫રંતુ કમનસીબે સાત દશકા અગાઉ અંગ્રેજોની ગુલામીમાંથી છૂટેલા વાલીઓ આજે અંગ્રેજીની બેડીમાં બંધાઇ રહ્યા છે. અલબત, સરકારી શાળાઓમાં ગુજરાતી ભાષા અને માધ્યમ હજુ જીવંત છે. કારણ કે અમદાવાદની ૧૨૮૦ જેટલી સરકારી કે અનુદાનીત શાળામાંથી ફક્ત ૧૨ કે ૧૫ જેટલી શાળા જ અંગ્રેજી માધ્યમમાં ચાલે છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટેની વાતો તો બહુ થાય છે, ૫રંતુ આ દિશામાં કોઇ નક્કર પ્રયાસો નહીં કરાય તો મુળ ગુજરાતી ક્યારે નષ્ટ થઇ જશે? તેનો ખ્યાલ સુદ્ધા રહેશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર