વિરોધ પ્રદર્શન ડામવા, આંગણવાડી મહિલાઓની રેલી પૂર્વે અલ્પેશ ઠાકોર સહિત 200ની અટકાયત

બુધવાર, 8 માર્ચ 2017 (13:03 IST)
મહિલા દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની 6 હજાર મહિલા સરપંચોને સંબોધવાના છે, ત્યારે ગાંધીનગર ખાતે કોઇપણ પ્રકારના વિરોધ-પ્રદર્શન ન થાય તે માટે તંત્ર અને પોલીસને ખાસ સૂચના આપી દેવામાં આવી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે આજે આંગણવાડી મહિલાઓના મુદ્દે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. આ રેલી નીકળે તે પહેલાં જ ક્લેક્ટર કચેરીની બહારથી અલ્પેશ ઠાકોર સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર, દલિત, ખેડૂત અને મહિલાઓ પર દુષ્કર્મના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આંગણવાડી મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અલ્પેશ ઠાકોરે રેલી કાઢવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે, આઠમી માર્ચે વડાપ્રધાન મોદી મહિલા દિન નિમિત્તે ગુજરાતમાં આવશે, ત્યારે તેઓ આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી યોજીને ન્યાયની માંગણી કરાશે. અગાઉ ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓને સંબોધતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તમારી સમસ્યાઓ ઉકેલવાની તસ્દી લીધી નથી, ત્યારે હું તમારા પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી ઝંપીને બેસીસ નહીં.

વેબદુનિયા પર વાંચો