શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા સરકાર કમરકસી રહી છે
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:17 IST)
ગુજરાતની રૂપાણી સરકાર તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસને ફરજીયાત બનાવી રહી હોવાનુ જાણવા મળે છે. સીબીએસઇ, આઇસીએસઇ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં પણ ગુજરાતી ભાષાનો અભ્યાસ અનિવાર્ય બનશે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતી ભાષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીને એક વિષય પસંદ નહી કરવાની બાબતને લઇને ચિંતા વ્યકત કરી હતી.
રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે ગુજરાતી ભાષાના ભાવિને લઇને મુખ્યમંત્રીની અકીલા ચિંતાને ધ્યાનમાં લેતા અમે નિષ્ણાંતોની એક સમિતિ નીમિ છે જે સરકારને ગુજરાતી ભાષાને મજબુત કરવા શું કરવુ જોઇએ એ અંગે સલાહ-સુચનો કરશે. સરકાર તમામ વર્ગોમાં, તમામ બોર્ડમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા વિચાર કરી રહી છે. ગુજરાતની ભાષાને વૈકલ્પીક તરીકે રાખી ન શકાય. બીન સરકારી શાળાઓ અને બીન ગુજરાતી બોર્ડની શાળાઓમાં પણ ગુજરાતી ભાષાને ફરજીયાત બનાવવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે. આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં બંધ થઇ રહેલી ગુજરાતી શાળાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી. ગુજરાતી મીડીયમની શાળાઓ બંધ થઇ રહી છે. હવે સમય આવી ગયો છે કે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે નક્કર નીતિઓ ઘડવી જોઇએ. આવતા દિવસોમાં અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા કામ કરશુ. સાહિત્યને પ્રમોટ કરવા નરેન્દ્ર મોદીએ વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યુ હતુ અમે તે ચાલુ રાખશુ. આજની દુનિયામાં પુસ્તકો અનિવાર્ય અંગ બનવા જોઇએ. સાહિત્યને પ્રમોટ કરવા માટે અમે લોકો સાથે જોડાણ પણ કરશે તેમ રૂપાણીએ ઉમેર્યુ હતુ. અન્ય રાજયોની નોન ગુજરાતી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાના સંચાલકોએ જો કે આ દરખાસ્તના અમલીકરણ અંગે શંકા-કુશંકા વ્યકત કરી હતી. આનંદ નિકેતનના ડાયરેકટર એન.ચૌહાણે જણાવ્યુ છે કે હાલ ધો.પ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને ગુજરાતી અથવા તો સંસ્કૃતનો વિકલ્પ પસંદ કરવાનુ જણાવાય છે. જયારે સીનીયર કલાસીસમાં હિન્દીને વિષય રાખવામાં આવે છે. જો ગુજરાતીને ફરજીયાત કરવામાં આવે તો કંઇક કરવુ પડશે કારણ કે અન્ય રાજયોના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે. સેન્ટ કબીરના પ્રિન્સીપાલ પ્રાગ્ય પંડયાએ કહ્યુ છે કે, પાંચમાં ધોરણથી ભાષા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પીક વિષય હોય છે અને જો વિદ્યાર્થી વધારાની ભાષા શિખે તેમા કઇ ખોટુ નથી. જો કે બીન ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ઉદ્દગમ સ્કુલના પ્રિન્સીપાલ સુજાતા ટંડને કહ્યુ છે કે ભાષાને શીખવા અને બોલવા માટે સમયની જરૂર પડતી નથી પરંતુ એક ભાષાને વિષય તરીકે લેવાથી મુશ્કેલી થઇ શકે છે પરંતુ જો પહેલેથી ગુજરાતી શરૂ કરવામાં આવે તો તે સારી બાબત છે.