18 થી વધુ વર્ષની વયના 40 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો, ગુજરાતે પાર કર્યો 2.50 કરોડ ડોઝનો આંક
મંગળવાર, 29 જૂન 2021 (22:02 IST)
ગુજરાતે કોરોના સામેના પ્રતિકારક અને અમોઘશસ્ત્ર એવી રસીકરણ-વેક્સિનેશન અભિયાનમાં 2.50 કરોડ ડોઝનો આંક પાર કરી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા-દર્શનમાં રાજ્યભરમાં વેક્સિનેશનની ઝુંબશને આરોગ્ય કર્મીઓના પ્રયત્નો અને લોકોની જાગૃતિથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તદ્અનુસાર, રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો પૈકી 29 મી જૂન 2021 મંગળવાર સુધીમાં 2,53,93,866 વેક્સિનેશન ડોઝ આપી દેવાયા છે.
રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયજૂથના પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી આજ સુધીમાં 40 ટકા લોકોને એટલે કે 1,98,62,582 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવેલો છે. આવા વ્યક્તિઓમાંથી 55 લાખ 31 હજાર 284 ને બીજો ડોઝ અપાયો છે.
આમ, સમગ્રતયા ગુજરાતમાં 2 કરોડ 53 લાખ 93 હજાર 866 રસીકરણ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.
ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં પર મલિયન વેક્સિનેશનની સંખ્યા 3 લાખ 97 હજાર 572 ની છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરૂ છે કે, 18 થી ઉપરની વયના પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ લોકોને કોરોના વેક્સિનના આપવાના થતા બે ડોઝ એટલે કે 9.86 કરોડ ડોઝમાંથી 2 કરોડ 53 લાખ ડોઝ એટલે કે 25 ટકા ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, ૧લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, ૧લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં ૪૫થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં ૧૮થી ૪૪ વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને કોમોર્બીડ વ્યક્તિઓના સફળ રસીકરણ અભિયાનના અમલીકરણ બાદ રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિન-૧લી મેથી રાજ્યના યુવાનોને રસી આપવાનો પ્રારંભ કર્યો હતો. ૧લી મેથી રાજ્યના ૭ મહાનગરો અને ૩ જીલ્લામાં રોજના ૩૦ હજાર ડોઝ આપી યુવાનોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં નિયમિત મળતી કોર કમિટીએ ત્યારબાદ ૨૪મી મેથી એક અઠવાડિયા સુધી આ ૧૦ સ્થળોએ ૩૦ હજારને બદલે રોજના ૧ લાખ ડોઝ આપવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન અગાઉના ત્રણ તબક્કામાં પ્રથમ ડોઝ મેળવેલ વ્યક્તિઓને બીજો ડોઝ આપવાની કામગીરી પણ સુપેરે યથાવત રહી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૪થી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરી-ગ્રામીણ વિસ્તારને આવરી લઇ રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો અને આ અભિયાન અંતર્ગત પણ હાલ યુવાઓના વ્યાપક રસીકરણનો રાજ્યવાપી કાર્યક્રમ ચાલી રહ્યો છે.
ત્યારબાદ વિશ્વ યોગ દિવસ 21મી જૂનથી બપોરે 3 કલાક પછી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય પણ વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધાજ રસીકરણ કેન્દ્રો પરથી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને વેક્સિનેશનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં નાગરિકોના વિનામુલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી સફળ અભિયાનને પરિણામે ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર પાંચ મહિનામાં 2 કરોડ 53 લાખ 93 હજાર ડોઝ લોકોને આપીને કોરોના સામે સુરક્ષાક્વચ પુરું પાડવામાં આવ્યું છે