પિસ્તોલ હાથમાં પકડવાના રોમાંચે વિશ્વાને નિશાનેબાજીના ISSF વર્લ્ડકપમાં બે સુવર્ણ ચંદ્રક અપાવ્યા

બુધવાર, 4 જુલાઈ 2018 (11:31 IST)
વડોદરા, મૂળ રાજકોટની અને હાલમાં વડોદરાવાસી બની ગયેલી વિશ્વા દહિયાએ માંડ બે વર્ષ પહેલા પ્રથમવાર હાથમાં પિસ્તોલ પકડવાનો રોમાંચ માણ્યો હતો. આ રોમાંચને સંકલ્પબધ્ધતામાં પરિવર્તીત કરીને વિશ્વાએ તાજેતરમાં જર્મનીમાં રમાઇ ગયેલા રાયફલ/પિસ્તોલ(ફાયર આર્મ્સ) ધ્વારા નિશાનેબાજીના ISSF વર્લ્ડકપમાં બે સુવર્ણ ચંદ્રકો જીતી લઇને વડોદરા, ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે. કિશોરીઓ/યુવતીઓને ઉચિત સમયે તક મળે તો ચમત્કારો સર્જી શકે, વિશ્વાએ આ બાબત સિધ્ધ કરીને બતાવી છે.
    રાજકોટની વિશ્વાની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ધ્વારા વડોદરામાં સંચાલીત શુટીંગ એકેડેમી માટે અંદાજે બે વર્ષ પહેલા પસંદગી થઇ હતી. તેની સીલેકશન ટ્રાયલ વખતે એણે પ્રથમવાર પિસ્તોલ હાથમાં પકડી હતી. હાથની મુવમેંટ અને નજરની ચપળતા વચ્ચે સંકલન, નિશાન તાકતી વખતે સમતુલા જાળવવી અને આંખે પાટા બાંધીને અંદાજને આધારે લક્ષ્ય વિંધવા જેવી અઘરી કસોટીઓમાં તે સફળ થઇને શુટીંગ એકેડેમીઓ પ્રવેશને પાત્ર ઠરી હતી.


    વિશ્વા દહિયા હવે વિવિધ ઇન્ટરનેશનલ શુટીંગ કોમ્પ્ટીશન્સમાં ભાગ લેવાની સાથે ઓલિમ્પિક સુધી પહોંચવા અને દેશ માટે મેડલ જીતવાનું અંતિમ લક્ષ્ય ધરાવે છે. ઓગસ્ટ-૨૦૧૮માં વિશ્વા નવી દિલ્હી ખાતે ઇન્ડિયા સ્કવોર્ડના કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પમાં દેશના ટોચના ૦૮ શુટર્સ(નિશાને બાજો) ભાગ લેશે અને તેમાંથી પરફોર્મન્સને આધારે હવે પછીની આંતરરાષ્ટ્રીય શુટીંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાને પાત્ર નિશાનેબાજોની પસંદગી કરવામાં આવશે. વિશ્વાને વિશ્વ કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદ થવાનો પૂરો વિશ્વાસ છે.
    સામાન્ય મધ્યમવર્ગી પરિવારમાંથી આવતી વિશ્વાએ તાજેતરમાં જર્મનીના સુહી ખાતે રમાઇ ગયેલી અને ઇન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત શુટીંગ વર્લ્ડકપની જુનિયર કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તેમાં તેણે ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ શ્રેણીમાં હંગેરી અને યુક્રેનના સ્પર્ધકોને પાછળ પાડી દઇને દેશ માટે બે ગોલ્ડ મેડલ્સ જીતી લીધા હતા. એસએજી, બરોડા રાયફલ ક્લબ અને વડોદરા ડિસ્ટ્રીક્ટ રાયફલ એસોસીએશનની સાધન સુવિધાના સૌજન્યથી વિશ્વાએ એક્સપર્ટસ સી.કે.ચૌધરી, ફરીદુદ્દીન, હિરેન જયસ્વાલ અને પુષ્પા માલવીયા પાસેથી તાલીમ મેળવી છે. તે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વડોદરાના સિનીયર કોચ જયેશ ભાલાવાળા ધ્વારા મળેલી તાલીમની વિવિધ સવલતો, પ્રેરણા અને પ્રોત્સાહનને આ સિધ્ધિમાં પૂરક ગણાવે છે.

    વિશ્વાની સિધ્ધિથી એસએજી સંચાલીત વડોદરાની શુટીંગ એકેડેમીનું ગૌરવ વધ્યુ છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી જયેશ ભાલાવાળા જણાવે છે કે વિશ્વા સહિત વડોદરાના શુટર્સએ છેલ્લા એક વર્ષ દરમિયાન સિધ્ધિદાયક વિજયો મેળવ્યા છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. પહેલાં આ શુટર્સ સહિયારા સાધનો(શસ્ત્રો)થી પ્રેકટીસ કરતાં હતા. હવે મે-૨૦૧૭થી એસએજીએ પ્રત્યેક શુટર માટે વ્યક્તિગત ફાયર આર્મ્સ મેળવ્યા છે જેથી તેમના માટે પ્રેકટીસ ખૂબજ સુવિધાજનક બની છે. એકેડેમીના શુટર્સ દરરોજ સવાર-સાંજ લગભગ ૬ કલાક પ્રશિક્ષણ-પ્રેકટીસમાં વીતાવે છે અને પોતાનો અભ્યાસ પણ આગળ ધપાવે છે એની નોંધ લેવી ઘટે. એસએજી વિશ્વ કક્ષાએ રમાતી વિવિધ રમતો માટે અલગ સ્પોર્ટ્સ સ્કુલ્સ/એકેડેમી બનાવવાની વ્યુહ રચના અપનાવી છે. તેને પગલે ૧૮ વર્ષની વિશ્વા કોઇ જ બેકગ્રાઉન્ડ વગર શુટીંગ જેવી મોંઘી ગણાતી રમતમાં કૌવત બતાવી શકી છે જે એસએજીના રમત વ્યવસ્થાપનની સફળતાનું ઉજ્જવળ દ્દષ્ટાંત ગણાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર