વડોદરામાં ભાજપના ત્રણ ધારાસભ્યો નારાજ, સર્કિટ હાઉસમાં મીટિંગ કરીને રોષ ઠાલવ્યો

ગુરુવાર, 28 જૂન 2018 (12:01 IST)
સર્કિટ હાઉસમાં ભેગા થયેલા ભાજપના ત્રણ ધારાસભ્યોએ ગાંધીનગરમાં ચાલતી લાલિયાવાડી સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. ધારાસભ્યોએ દાવો કર્યો છે કે અધિકારીઓ તેમને ગાંઠતા નથી જેના કારણે કામ અટકી પડ્યું છે. બુધવારે રાત્રે વડોદરાના સર્કિટ હાઉસમાં ત્રણ ધારાસભ્યો યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારે બેઠક કરી હતી. યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ જૂના ધારાસભ્યો છે, જ્યારે કેતન ઈનામદાર બીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. MLA મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, “અધિકારીઓનું વર્તન તુમાખીભર્યું છે. તેઓ અમારું સાંભળતાં નથી. મંગળવારે અમે મંત્રીઓને મળવા માટે ઘણી રાહ જોવી પડી હતી. અધિકારીઓને આવેદન મોકલ્યા હતા તેમ છતાં કશું થયું નહીં. સરકાર ભાજપની છે પણ તેને આ અધિકારીઓ ચલાવી રહ્યા છે. મને વડોદરામાં પક્ષ તરફથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી નથી જેના કારણે નાખુશ છું.”ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, “જે-તે મતક્ષેત્રની જવાબદારી ત્યાંના ધારાસભ્યની હોય છે. અમારે ત્યાંના સ્થાનિકોની જરૂરીયાતો સંતોષવાની હોય છે. અધિકારીઓ તેમના કામમા ઢીલા છે અને જોઈ લઈશું-કરી લઈશું તેવા જવાબો આપે છે. આ પ્રકારના જવાબ આપવાના બદલે કામ પૂરું કરવાની અધિકારીઓએ ખાતરી આપવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીઓ અને કલેક્ટર કાર્ય પૂરું કરવામાં યોગ્ય મદદ કરે છે પરંતુ ગાંધીનગરમાં સચિવ કક્ષાએ રહેલા અધિકારીઓ કામ કરવામાં સહકાર નથી આપતા રાજ્યના અન્ય ધારાસભ્યોની પણ આ જ પ્રકારની ફરિયાદ છે. એટલે વધુ ધારાસભ્યો અમારા સમર્થનમાં આવશે.  પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, “ધારાસભ્યોએ જણાવ્યું છે કે તેમને પક્ષ કે સરકાર સામે કોઈ નારાજગી નથી. તેઓની નારાજગી ફક્ત કેટલાક અધિકારીઓ સામે છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધારાસભ્યોની નારાજગી અંગે જણાવ્યું કે, “એમની નારાજગી તંત્ર માટે છે, કેટલાક અધિકારીઓ પ્રત્યે છે. તેમને સાંભળવા માટે આમંત્રણ આપ્યું છે. શક્ય છે કે વડોદરામાં મારા કાર્યક્રમમાં તેઓ મળી શકે અથવા ગાંધીનગરમાં તેમને મળવા માટે બોલાવ્યા છે અને તેમની સાથે ચર્ચા કરીશું. જવાબદાર અધિકારી, કર્મચારી હશે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર