ભાજપે લોકસભાની ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો

મંગળવાર, 26 જૂન 2018 (12:20 IST)
આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ફરીથી જીતવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એસજી હાઇવે પર આવેલી એસજીવીપી સંસ્થા ખાતે યોજાયેલી ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં લોકસભાની ચૂંટણીની તૈયારી, એન્ટી ઇન્કમબન્સી દૂર કરવી, સંગઠ્ઠન અને સરકાર વચ્ચે તાલમેલ વધારવો વગેરે સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી. શિબિરના બીજા દિવસના અંતિમ સત્રમાં હાજર રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંગઠ્ઠનલક્ષી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે આરએસએસમાંથી યશવંત ચૌધરી અને હસમુખ પટેલ ખાસ હાજર રહ્યા હતા. સરકાર, ભાજપ અને સંઘ વચ્ચે વધુ સંકલન રહે અને બધા એકબીજાના સહકારથી કામ કરે તે માટે આ બંને નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીઓ કોઇ સામાન્ય નહી પરંતુ ભારતના સાર્વભૌમત્વની ચૂંટણી છે. આ લડાઇમાં ભાજપનો ચોક્કસ વિજય થશે. ૨૦૧૯ની ચૂંટણીના સંદર્ભમાં વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી. ગુજરાતની તમામ ૨૬ બેઠકો યથાવત જળવાઇ રહે તે માટેનો રોડ મેપ તૈયાર કરાયો છે. તમામ સંગઠ્ઠનાત્મક પાસાઓની વિશેષ છણાવટ કરાઇ છે. સમયાંતરે ચિંતન શિબિર યોજવી એ ભાજપની વ્યવસ્થા અને પરંપરા રહી છે. કોંગ્રેસ માત્ર વર્ગ-વિગ્રહ ફેલાવે છે તેને ખાળવાનું કામ ભાજપ કરે છે. ચિંતન શિબિરમાં અલગ અલગ સાંપ્રત, ભૌગોલિક, સામાજિક પરિસ્થિતિઓનું અવલોકન કરાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી ગરીબલક્ષી યોજનાઓ પાયાના માનવી સુધી પહોંચાડાય તેનું આંકલન અને સંકલન કરાયું છે. આ શિબિરમાં કેન્દ્રના ત્રણ મંત્રીઓ, ગુજરાત પ્રદેશ પ્રભારી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠ્ઠનના પાંચેય મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ સહિત ૩૫થી ૪૦ નેતાઓ હાજર રહ્યા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર