અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટને લીધે ચાર લાખ આંબા-ચીકુનાં ઝાડ કપાશે

સોમવાર, 25 જૂન 2018 (12:32 IST)
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કાયદામાં રાજ્ય સરકારે મુખ્ય ચાર જોગવાઈઓ સાથે મોટાભાગના અધિકારો ઝુંટવી લેવાયા છે અને ખેડૂતોને સાવ નોંધારા કરી દેવાયાના આક્ષેપ સાથે કૉંગ્રેસ અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ‘ખેડૂત સંપર્ક અભિયાન’ની શરૂઆત કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ૪ લાખ આંબા- ચીકુનાં ઝાડ કપાશે અને ૩૫૦૦ પરિવારો ઘરવિહોણાં થશે તેવા આક્ષેપો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કર્યો હતો. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વિરોધમાં ‘ખેડૂત સંપર્ક અભિયાન’ની શરૂઆત ૨૦ જૂનના રોજ અમદાવાદ ખાતેથી થઈ હતી. જ્યાં કૉંગ્રેસના રાજ્યસભાનાં સાસંદ અમી યાજ્ઞિક, એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમજ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ દ્વારા ખેડૂતોની સાથે મીટિંગ કરી ખેડૂતોને તેમના મૂળભૂત અધિકારો અંગે જાણકારી આપી હતી. જ્યારે સરકાર ગેરકાયદેસર રીતે જમીન પડાવી રહી હોવાનું સમજાવ્યું હતું. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ૧૫ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ કાયદામાંથી ખેડૂતોને ફાયદા કરાવતી ચાર જોગવાઈઓ હટાવી દીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો જ એક ભાગ છે. આ પહેલાં સરકારે માંડલ બેચરાજીના સરમાં ૧૧૦૦૦ હેકટર જમીન, દહેજમાં પીસીબીઆરમાં ૪૫૦૦૦ હેક્ટર જમીન, ધોલેરાસરમાં ૮૯૦૦૦ હેક્ટર જમીન, વડોદરા-મુંબઈ એકસપ્રેસમાં ૩૫૦૦ હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા કરી હતી. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ૧૦૦૦ હેક્ટર જમીન સંપાદન કરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતનાં ૩૦૦ ગામનાં ૩૫૦૦ કુટુંબ ઘરવિહોણાં થઈ જશે. જ્યારે વલસાડ-નવસારી ખાતે ૪ લાખ કરતાં વધારે આંબા-ચીકુનાં ઝાડ કપાઈ જશે. જે માટે સરકારે કોઇ યોજના બનાવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર