ગુજરાતમાં વિધાનસભા બાદ કોંગ્રેસની સૌથી મોટી જીત, અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો કબજો
મંગળવાર, 19 જૂન 2018 (15:01 IST)
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત પર કોંગ્રેસ પાર્ટીએ કબજો કરી લીધો છે. તમામ બેઠક પર વિજય મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં છે અને આ પરિણામની ફટાકડા ફોડીને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ટોટલ 11 તાલુકા પંચાયતમાંથી પહેલા કોંગ્રેસ પાસે 9 તાલુકા પંચાયત હતી અને 2 તાલુકા પંચાયત પર BJPનું રાજ હતું, પરંતુ BJPની બે તાલુકા પંચાયત પણ આ વખતે કોંગ્રેસે આંચકી લીધી હતી અને તમામ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો લાગ્યો હતો. 11 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત પર બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારની પસંદગી થઈ હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત BJP પાસે હતી, પરંતુ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરીને આ બે બેઠકો પણ BJP પાસેથી આંચકી લીધી હતી.