ગોધરાકાંડ બાદ થયેલી રમખાણોમાં 28 લોકોને નિર્દોષ જાહેર કરાયા
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (18:05 IST)
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલની એક જિલ્લા કોર્ટે 2002 ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં 26 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ પર ગોધરામાં ટ્રેનને આગ લગાવ્યાના બીજા દિવસે કલોલ તાલુકાના પલિયડ ગામમાં રમખાણો ફેલાવવા, આગજની, અને જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. આ હિંસામાં અંદાજે 5 લાખની સંપત્તિને નુક્સાન પહોંચ્યું હતું. કોર્ટે 31મી જાન્યુઆરીના રોજ આદેશ આપીને કહ્યું હતું કે આ મામલામાં આરોપી અને પીડિતાની વચ્ચે સમજૂતી થઇ ચૂકી છે અને 28મી ફેબ્રુઆરી 2002ના રોજ થયેલ હિંસાને લઇને કોર્ટની સામે પૂરતા પુરાવા રજૂ કરી શકયા નહીં. આ આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગુનાના દ્રશ્યનું પંચનામું સાબિત થઇ શકયું નથી. કોર્ટે નિર્દોષ જાહેર કરેલ મોટાભાગના પલિયડ ગામના અને બાકીના ત્રણ અમદાવાદના રહેવાસી છે. એડિશનલ સેશન જજ બીડી પટેલના આદેશ પ્રમાણે શકીલાબેન અજમેરી, અબ્બાસમિયાં અજમેરી, નજુમિયાં સૈયદ જેવા સાક્ષી કોર્ટમાં પલટી ગયા અને 500 લોકોની ભીડમાંથી લોકોને ઓળખવાની ના પાડી દીધી. આ સાક્ષીઓએ કોર્ટને કહ્યું કે પોલીસે જાતે જ આરોપીઓના નામ લખી લીધા અને ગામના નેતાઓની હાજરીમાં જ સમજૂતી થઇ ગઇ. આની પહેલાં ડિફેન્સ લોયરે કહ્યું હતું કે પોલીસે કેટલાંય આરોપીઓને સાક્ષીના રૂપમાં રજૂ કર્યાં. કોર્ટે વકીલની એ વાત સાથે સહમત થતાં કહ્યું કે આ કેસની તપાસ વ્યવસ્થિત કરાઈ નથી અને આ વાત તપાસ કરી રહેલા અધિકારીએ પણ માની છે. કોર્ટે કહ્યું કે સાક્ષીઓ પણ પોતાની વાતથી ફરી ગયા જ્યારે સ્વતંત્ર રીતે જુબાની લેવામાં આવી તો તેમને સમર્થન આપ્યું નહોતું. કોર્ટે કહ્યું કે કેસની તપાસ કરી રહેલા ઓફિસર અને સાક્ષીઓના મોત થઇ ચૂકયા છે. કેટલાંય સાક્ષીઓ પલિયડ ગામ છોડી ચૂકયા છે. આથી તમામ દસ્વાતેજો મૂકતા એ સાબિત થયું કે બંને પક્ષોમાં સમજૂતી થઇ છે કારણ કે અહીં પુરતા પુરાવાની કમી છે. ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી, 2002મા રોજ ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી. તેમાં 69 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ ગાંધીનગરમાં કલોલના ગામડાંઓમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.