VIDEO - ગુજરાતમાં મેઘપ્રકોપથી સર્વત્ર જળબંબાકાર....20 હજારથી વધુનુ સ્થાળાંતર

મંગળવાર, 25 જુલાઈ 2017 (14:42 IST)
ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લાઓમાં મેઘપ્રકોપ યથાવત્ છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલો વરસાદ આજે પણ ચાલુ છે. અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદના અહેવાલો છે.
ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે હાલાકી સર્જાઇ છે. સૌથી વધુ કફોડી હાલત હાલ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પણ સતત પ્રધાનમંત્રીનાના સંપર્કમાં છે, ત્યારે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે.
 
 ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસ રાજસ્થાનમાંથી આવેલા ભારે પૂરના કારણે તબાહીની સ્થિતિ થઈ ગઈ છે. ધાનેરા, ડીસા, લાખણી, થરાદ વગેરે વિસ્તારોમાં જળબંબાકારને કારણે લશ્કરની મદદ માગવી પડી છે. ઠેર ઠેર ઘૂંટણ કે તેથી પણ વધુ પાણી ભરાઈ ગયા છે. અમુક જગ્યાએ તો પાંચ થી દસ ફુટ સુધીના પાણી ભરાઈ ગયાના અહેવાલ છે
 
વર્ષ ૨૦૦૧માં તૈયાર થયેલો ૩૮.૫ મીટર ઊંચાઈનો સીપુ ડેમના પાળા તૂટતાં બનાસકાંઠા, પાટણ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે, જોકે સ્થાનિક વહીવટી તંત્રે તત્કાળ અસરથી ૨૦,0૦૦થી વધુ નાગરિકોને સ્થળાંતર કરાવ્યું હતું. ભારે વરસાદને કારણે બનાસ નદી આસપાસનાં ૨૪૭થી વધુ ગામો, ૩ શહેરોમાં ૫૦,૦૦૦થી વધુ નાગરિકો પર જળસંકટ તોળાઈ રહ્યું છે.
 
મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે ડીસામાં સમીક્ષા બેઠક યોજ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્રે સીપુ ડેમની હેઠવાસમાં જાટ, ભાખરી, પાથાંવાડા, ઊંચાવાડા, સામરવાડા, ધાનેરા શહેરા, ખિમત, બાપલા, મિઠોદર, ભાચરવા, મહુડી સહિતનાં ૧૭ ગામોના સરપંચોને બોલાવીને તત્કાળ અસરથી ગામો ખાલી કરી સલામત સ્થળે, સગાંસંબધીઓને ઘરે જતાં રહેવા સૂચના આપી હતી,  સ્થાળાંતર મોડી રાત સુધી ચાલ્યું હતું.
 
ઉપરવાસથી પાણીની આવક અને ભારે વરસાદને કારણે ૨૫.૬૮ વર્ગ કિલોમીટરનો એરિયા ધરાવતો સીપુ ડેમ ભયજનક સ્થિતિમાં છે. આથી ડેમના તમામ દસ દરવાજા ખુલ્લા મુકીને ૧.૧૬ લાખ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ડેમના પાળાને મજબૂત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.
 
ધાનેરા સંપર્ક વિહોણું 
રાજસ્થાનના ઉપરવાસ તેમજ બનાસકાંઠામાં પડેલા મુશળધાર વરસાદને પગલે ધાનેરા જળબંબાકાર થઈ ગયું છે. હજાર પશુ પાણીમાં તણાઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરામાંથી ૨ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવકાર્ય માટે એરફોર્સ અને એનડીઆરએફ અને બીએસએફની વધુ ટુકડીઓ મગાવાઈ છે. ધાનેરા ઉપરાંત દાંતીવાડા, અમીરગઢ, પાંથાવાડા, ડીસામાં પણ લોકોની હાલત કફોડી બની છે. ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાનાં ૫૦થી વધારે ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે.
 
માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક ઠપ, વીજળી ગુલ
 
માઉન્ટ આબુમાં ભારે વરસાદને પગલે રસ્તા તૂટી ગયા છે. સાથે-સાથે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. વીજળી પણ ગુલ થઈ જતાં લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. બહારથી આવેલા સહેલાણીઓ આબુમાં આવીને ફસાઈ ગયા હતા. માઉન્ટ આબુમાં સતત વરસાદને પગલે આબુને જોડતા માર્ગ પર ડુંગરના પથ્થરોની શીલાઓ ધસી આવતાં રોડ બંધ થઈ ગયો હતો. નખીલેખ તળાવ ઓવરફ્લો થયું હતું જેને કારણે અનેક પર્યટકો ફસાઈ ગયા હતા.

વેબદુનિયા પર વાંચો