ગુજરાતમાં રક્ષાબંધનનો પર્વ ભારે બન્યો, વિવિધ ઘટનાઓમાં કુલ 19ના મોત

સોમવાર, 27 ઑગસ્ટ 2018 (11:56 IST)
ગુજરાતમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધન જાણો માતમ લઈને આવ્યો હોય એવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં વિવિધ સ્થળે બનેલી ઘટનાઓમાં 19 લોકોનાં મોત થયાં છે. રજાઓમાં મજા માણવા નીકળેલા ગુજરાતી પરિવારો પર પણ કાળ બની યમરાજની મુલાકાત થઈ છે. સૌથી મોટી ઘટનામાં સુરત નજીક હાઇવે પર ઇનોવા કાર અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં કડોદરા રહેવાસી 10 લોકોના મોત થયા છે. આ સાથે ચોટીલા-2, જુનાગઢ-1, જામનગર-3, સુરત ડિંડોલ-1, બનાસકાંઠા-2 લોકોના મોત થયા છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પલસાણા કડોદરા હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા સહિત 10નાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મુંબઈથી અમદાવાદ જતા હાઈ વે પર પલસાણા-કડોદરા નજીક આવેલા કરણ ગામના પાટીયા પાસે એક ઈનોવા કાર  અને ટ્રક  વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. જેમાં ઈનોવા કારમાં સવાર મહિલા સહિત આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને તમામ લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી હતી. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકે કારને અડફેટે લીધી હતી અને કાર પર ટ્રક ફરી વળતાં બૂકડો બોલી ગઈ હતી. કારમાં સવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર