20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નલિયાકાંડ ગાજશે, ૧૮મીએ કોંગ્રેસની નલિયાથી ગાંધીનગર સુધી રેલી યોજાશે

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (14:33 IST)
નલિયા સેક્સકાંડે ભાજપને ભીંસમાં લીધુ છે ત્યારે કોંગ્રેસ માટે તો ભાવતુ ને, વૈધે કીધું જેવો ઘાટ સર્જાયો છે . કોંગ્રેસ આ મુદ્દાને બરોબર ચગાવી ભાજપ સરકારને ભીંસમાં લેવાની એકેય તક છોડવામાં માંગતી નથી એટલે જ કોંગ્રેસે આગામી ૧૮મી ફેબુ્રઆરીથી નલિયાથી ગાંધીનગર સુધીની રેલી યોજવા આયોજન ઘડયું છે. ૨૦મી વિધાનસભાના સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં તો નલિયા સેક્સકાંડના મુદ્દો ગજવશે. એજ દિવસે કોંગ્રેસીઓ વિધાનસભાનો ઘેરાવ પણ કરશે.

નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે ત્યારે હજુય ઘણાં મોટા માથાઓ હોવાની શંકા છે. બેરોજગાર યુવતીઓને નોકરી રાખીને સ્થાનિક નેતાઓ ભાજપના મોટા ગજાના નેતાઓની સેક્સભૂખ સંતોષવાની ગોઠવણો પાડતા હતાં. આ સેક્સકાંડને મુદદે વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસના આગેવાનોની એક બેઠક પ્રદેશ કોંગ્રેસ સમિતીએ મળી હતી જેમાં આ મુદ્દે શહેરોથી માંડીને ગ્રામ્ય વિસ્તારો સુધી દેખાવો કરવા આયોજન કરાયું છે. આ ઉપરાંત નલિયાથી ગાંધીનગર સુધીની રેલી માટે પણ કાર્યક્રમ નકકી કરાયો છે.
બેઠકમાં કોંગ્રેસે એવુ પણ નક્કી કર્યું કે, સાણંદમાં પોલીસે નર્મદાનુ પાણી સિંચાઇ માટે આપવાની માંગણી કરતાં ખેડૂતો પર બેરહેમપૂર્વક લાઠીઓ વરસાવી હતી . એટલું જ નહીં, ખેડૂતો પર પોલીસ કેસ કરાયા હતાં તે મામલે મફત કાનૂની સહાય કરવામાં આવશે . કચ્છમાં વિજચોરીના આરોપસર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પર થયેલાં અત્યાચાર સામે પણ લડત લડવા કોંગ્રેસે નક્કી કર્યું છે.

વેબદુનિયા પર વાંચો