મુખ્યમંત્રીએ જાહેર કરી નવી પ્રવાસન નીતિ, ‘ગુજરાત નહિં દેખા તો કુછ નહિ દેખાં સૂત્ર નવી પ્રવાસન પોલીસી ચરિતાર્થ કરશે

મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (13:07 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ‘ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ’ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુજરાત નવી પ્રવાસન નીતિ  ર૦ર૧-રપની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ નવી પ્રવાસન નીતિ -૨૦૨૧-રપમાં રાજ્યમાં પ્રવાસન વૃદ્ધિ સાથે પર્યાવરણ સમૃદ્ધિનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ  તા.૧ જાન્યુઆરી-ર૦ર૧ થી તા.૩૧ માર્ચ-ર૦રપ સુધી અમલમાં રહેશે. 
 
મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં ગુજરાત પ્રવાસન નીતિ -ર૦ર૧-રપની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરમાં કરી હતી. આ નવી પ્રવાસન નીતિ માં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવી પ્રવાસન નીતિ નું લોંચીંગ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિ માં ‘‘વોકલ ફોર લોકલ’’ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે. તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે. 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે. આ ઉપરાંત, સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આ સાથે ગુજરાતમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે.
 
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર ‘ગિર ફોરેસ્ટ’ અને યુનેસ્કો (UNESCO) પ્રમાણિત ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ’, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ભારતની સર્વપ્રથમ સી-પ્લેન સર્વિસ, ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ ‘શિવરાજપુર બીચ’સીમાદર્શન તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો અને ભરપૂર પ્રવાસન આકર્ષણો ગુજરાતની આગવી શાન છે. 
 
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના હેરિટેજ સ્થાનો, રાજા-રજવાડાના મહેલો, ઝરૂખા વગેરેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તાજેતરમાં હેરિટેજ ટુરિઝમ પોલિસી પણ આપણે જાહેર કરી છે. આવી વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં (2009-2018) પ્રવાસીઓની સંખ્યા 15%CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નવી ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ પોલિસીમાં વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં, કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરિઝમ, રિલિજિયસ/સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝ્ડ એક્સપિરિયન્સ ટુરિઝમ (ગ્રામ્ય વિસ્તારનું પ્રવાસન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
‘અતિથિ દેવો ભવઃ’ના સૂત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓને એક સુરક્ષિત, આરામદાયક અને અદભૂત પ્રવાસનનો અનુભવ આપીને ટુરિસ્ટ સેન્ટ્રિક અભિગમ દ્વારા ગુજરાતને એક સુરક્ષિત પ્રવાસન સ્થળ બનાવવાનો આ પોલિસીનો હેતુ છે. 
આ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર એક ડેડિકેટેડ ગુજરાત ટુરિઝમ ડેસ્ક બનાવવામાં આવશે અને પ્રવાસીઓને ગુજરાત ટુરિઝમ કાર્ડ્સ અથવા ઇ-વાઉચર્સ આપવામાં આવશે, તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-25 દ્વારા કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને પણ પ્રોત્સાહન આપીને ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ દ્વારા સ્થાનિક હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસી અંતર્ગત પ્રવાસન વિભાગ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે MoUકરશે.
 
આ ઉપરાંત, ડિજિટલ મીડિયા મારફતે આવી પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને પ્રમોશન માટે રાજ્ય સરકાર સ્ટેકહોલ્ડર્સને સહયોગ આપશે અને માર્કેટિંગ માટે ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. તેમ તેમણે ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ પોલિસી અન્વયે રાજ્યમાં ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ કરવામાં આવશે. રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓને આરામદાયક સગવડો અને સેવાઓ આપવા હોટલ, કન્વેન્શન સેન્ટર્સ, વેસાઇડ એમ્નિટિઝ તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે.
 
આ સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર હોટેલો, રિસોર્ટ્સ અને ટુર ઓપરેટરોને ટુરિસ્ટ ગાઇડ્સને નિયુક્ત કરવામાં સહયોગ કરશે. આ માટે હોટેલ/રિસોર્ટ્સને ટુરિસ્ટ ગાઇડ્સને નિયુક્ત કરવા માટે દર મહિને વ્યક્તિદીઠ મહત્તમ રૂ.4000ની નાણાકીય સહાયતા 6 મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલિસી પ્રવાસન ક્ષેત્રે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પણ પ્રોત્સાહન આપશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
 
આ નવી ટુરિઝમ પોલિસી 2021-25નો મુખ્ય હેતુ સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ બનાવવાનો છે તેની વિસ્તૃત ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પોલિસી હેઠળ વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે, ઇ-વેહિકલની ખરીદી પર 15%ની કેપિટલ સબસીડી, ઇ-વેહિકલ્સ માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સનું નિર્માણ કરવા માટે 25% કેપિટલ સબસીડી, ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ, ટુર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
 
આ ઉપરાંત, રાજ્યમાં કેરેવાન ટુરિઝમને પ્રોત્સાહન આપવા, ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ગ્રામ્ય મેળાઓ યોજવા માટે, હાઇ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સનો વિકાસ કરવા માટે, MICE ઇવેન્ટ્સ માટે ગુજરાતને પસંદગીનું સ્થળ બનાવવા માટે, એડવેન્ચર ટુરિઝમ માટે યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે તેમજ રાજ્યના વિવિધ નદી સરોવર ક્ષેત્રોમાં રિવર ક્રુઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેપિટલ સબસીડીઓ અને અન્ય નાણાકીય સહાયતાઓ જાહેર કરવામાં આવી છે. 
 
હોટલો, રિસોર્ટ્સ, કન્વેન્શન સેન્ટર્સ, વેલનેસ રિસોર્ટ્સ, થીમ પાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક્સ, ટુરિઝમ હોસ્પિટાલિટી અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ભૂંગા/કોટેજ/લોગ હટ તેમજ ટુર ઓપરેટરો માટે પણ વિવિધ નાણાકીય પ્રોત્સાહનો આ પોલિસીમાં જાહેર કરવામાં આવ્યાં છે. 
 
મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી પ્રવાસન નીતિ ના મુખ્ય પ્રોત્સાહનો અને વિશેષતાઓ આ મુજબ છે:-
સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ નિર્માણ કરવાનો ઉદ્દેશ 
o 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.2 લાખ) આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
o ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે 
o વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ, આ માટે સર્ટિફિકેટશન ફીના 50% રકમ રિઇમ્બર્સ કરવામાં આવશે
 
‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને
o વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ‘ગરવી ગુજરાત’માંથી ખરીદી કરવા પર મહત્તમ રૂ.20,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને આ ઉપરાંત CoT(કમિશ્નર ઓફ ટુરિઝમ) હેઠળ રજિસ્ટર થયેલી હોટલોમાં રોકાણ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
 
વિશિષ્ટ પ્રવાસન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન 
o 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.10 લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમને પ્રમોટ કરીને પ્રવાસનના વિશિષ્ટ સેગમેન્ટમાં સાહસ માટે પ્રેરિત કરાશે. 
o 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.25 લાખ) દ્વારા ગુજરાતના વિશાળ જળ સ્ત્રોતોનો લાભ મેળવવા માટે રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે. 
 
સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકોનું સર્જન કરવું
o 6 મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ.4000 સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણ કરાશે
 
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો લાભ લેવો 
o પ્રત્યેક કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. 
 
 
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ (ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રવાસન કેન્દ્રો)
o 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. 
 
MICE ઇવેન્ટ્સ માટે પસંદગીનું સ્થળ બનવાનો ગુજરાતનો લક્ષ્યાંક છે
o રાજ્ય સરકાર દ્વારા 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને MICE સેક્ટરને ઉત્તેજન આપવું
o મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અને રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય MICE ઇવેન્ટ્સનું આયોજન કરવું અને આ માટે અનુક્રમે રૂ.5 લાખ સુધીની અને રૂ.2 લાખ સુધીની નાણાકીય સહાયતાઓ પ્રદાન કરાશે. 
 
 
વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન 
o એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.15 લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણાયક નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.પ્રવાસન ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો ધરાવે છે ત્યારે, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નવી પ્રવાસન નીતિ 2021-25 સાથે રાજ્યમાં દેશભરના તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે. 
 
આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી અને આ નીતિ તેના નિર્ધારિત ઉદ્દેશો હાંસલ કરવામાં ખૂબ સફળ રહી છે. પ્રવાસન નીતિ 2015-20નો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એકોમોડેશન યુનિટ્સની સંખ્યા વધારવાનો હતો, જેના માટે આ પોલિસીના સમયગાળા દરમિયાન પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી, તેમાંથી 286 કરતા વધુ યુનિટ્સ કમર્શિયલ રીતે કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. હવે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવી ટુરિઝમ પોલિસી 2021-25આજે જાહેર કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર