ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રશ્નનો યોગ્ય ઉત્તર નહીં મળતાં બેઠક છોડી નીચે બેસી જતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા, આવી દાદાગીરી ના ચલાવી લેવાય. ગૃહમંત્રીના આવાં ઉચ્ચારણો સાથે કૉંગ્રેસના સભ્યો ઊભા થઈ હોબાળો માચાવવા લાગ્યા હતા, જેની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો, કૉંગ્રેસના સભ્યએ મંત્રીઓ સામે હાથ કરી નોંધ ના લેવાય તેવા શબ્દ બોલતા જ બધા મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા,ગૃહની કામગીરી ખોરંભે પડી ગઈ હતી, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા, અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું, અંતે પુંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. અંતમાં, અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મામલો શાંત પાડી દીધો હતો.
આજે જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ તથા ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરાશે.વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કૉંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પૂંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જોરે પસાર કરવામાં આવતા જ કૉંગ્રેસના તમામ સભ્યો સુત્રોચ્ચાર કરી વોકઆઉટ કરી ગયા હતા.આ અગાઉ પુંજાભાઇ વંશે તેમને ઉચારેલા બિનસંસદીય શબ્દ પાછા ખેંચી લીધા હતા તેમ છતાં પ્રશ્નોતરી પૂર્ણ થતાં જ તેમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. વિધાનસભાના ગત ચોમાસુ સત્રમાં કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યોએ વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતાં.કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ વેલમાં આવેલા ધારાસભ્યો આજના દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.