પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પુણા ગામની હરિધામ સોસાયટીમાં રહેતા એક પરિવારના મોભીએ જ ઘરના ચાર સભ્યો પર મોડી રાત્રે એસિડ હુમલો કર્યો હતો. હરિધામ સોસાયટીમાં રહેતા છગનભાઇ વાળાના પરિવારમાં છેલ્લા ત્રણ વર્ષથી ઝગડા ચાલી રહ્યાં હતા. મંદીના કારણે છગનભાઇ પાસે કોઇ કામ ન હતું. તેમજ છગનભાઇને દારૂની ખરાબ લત લાગી ગઇ હતી. જેને લઇને છગનભાઇએ પત્ની પાસે દારૂ પીવાના પૈસા માગ્યા હતા.
પત્નીએ દારૂ પીવાના પૈસા ના આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રોષે ભરાઇ વહેલી સવારે તેની પત્ની હર્ષા, બે દીકરીઓ અલ્પા અને પ્રવિણા તેમજ એક પુત્ર ભાર્ગવ પર એસિડ ફેક્યો હતો. પરિવાર પર એસિડ ફેંકતા જ તે લોકો બૂમાબૂમ કરી હતી. જેથી સોસાયટીના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. જે જોઇને છગનભાઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચારેય માતા બે દીકરીઓ અને પુત્રને તાત્કાલીક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલા અને તેની બે દીકરીઓ સુરતની એક કંપનીમાં જોબવર્કનું કામ કરે છે. જ્યારે પુત્ર ભાર્ગવ સ્મીમેરમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ આ ચારે ઇજાગ્રસ્તોમાંથી માતા અને એક પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.