શાળાની ફી નો નવો કાયદો આવતા મહિનાથી અમલી બનશે - શિક્ષણમંત્રી ચુડાસમા
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:59 IST)
ગુજરાતમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી મનસ્વીપણે ફી અને બેફામ બનેલા ખાનગી શાળા સંચાલકોને સરકારે સીધી જ ચીમકી આપી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અત્યંત સ્પષ્ટપણે અને મક્કમ શબ્દોમાં કહી દીધું છે કે, સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન માટેનો જે નવો કાયદો બન્યો છે તેનો અમલ કોઈપણ સંજોગોમાં આ શૈક્ષણિક સત્રથી જ થશે અને આવતા મહિનાથી જ તેના નિયમો અમલી બની જશે.
બેફામ ફી-વધારો અટકાવી રાજ્ય સરકારે સંવેદનશીલતાનો અનુભવ કરાવ્યો છે. વારંવાર થતા ફી વધારા સામે સરકાર મૂક પ્રેક્ષક ન રહી શકે.- @BhupendraSinh1pic.twitter.com/Oz1tdppV44
એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના નેજા હેઠળ અમદાવાદની 30 કરતાં પણ વધુ વગદાર ખાનગી સ્કૂલોના સંચાલકોએ ભેગા થઈ નવા કાયદાના નિયમો બને તે પહેલાં જ વાલીઓ પાસેથી જૂની અને ઊંચી ફી વસૂલી લેવાનો કારસો રચ્યો છે. આ સંગઠનના વડાએ તો એવી પણ શેખી મારી હતી કે, આ વર્ષે નવા કાયદાનો અમલ નહીં જ થાય. તથા વાલીઓએ અત્યારે તો જૂની ઊંચી ફી ભરી જ દેવી પડશે. આ જ સંદર્ભમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે ખાસ વાતચીત થઈ તો તેમણે આ વર્ષે કાયદાનો અમલ નહીં થાય તેવા સંચાલકોના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો. તેમણે કહ્યું કે, વિધાનસભામાં આવતા વર્ષે કાયદાનો અમલ કરાવવા બિલ પસાર નથી થયું. અમલ તો આ જ વર્ષે થશે. વળી, જે શાળાઓએ અત્યારે ઊંચી ફી ઉઘરાવી લીધી છે અને તેમને ત્યાં જો ફી નીચી રાખવાનું નિયમન સમિતિ નક્કી કરશે તો વધારાની ફી તેમણે વાલીઓને બીજા સત્રની ફી પેટે મજરે આપવા સિવાય કોઈ છૂટકો નહીં રહે.
આ ઉ૫રાંત કેટલીક શાળાઓએ ઊંચી ફી નહીં ભરનારા વાલીઓના સંતાનોના ગત વર્ષના પરિણામો અટકાવી રાખ્યા હોવાની પણ તેમણે ગંભીર નોંધ લીધી હતી. આ પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચલાવી ન લેવાની ખાતરી આપી હતી. શિક્ષણ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ હાલ ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) વિધેયક, 2017 રાજ્યપાલ ઓ પી કોહલીની મંજુરી માટે મોકલી દેવાયું છે. તેમની મંજૂરીની અપેક્ષાએ કાયદાના અમલીકરણ માટેના નિયમો પણ ઘડવાની કામગીરી શરૃ થઈ ગઈ છે. આ પ્રક્રિયા સમય મામગી લેતી હોવાથી આગોતરી શરૃ કરી દેવાઈ છે અને ૫૦ ટકા નિયમો તો તૈયાર થઈ ગયા છે. વાલીઓના એક સંગઠને ઉદ્ગમ સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું. પણ કેટલાક વાલીના જણાવ્યા મુજબ, ઉદ્ગમ સ્કૂલના સંચાલકોએ તેમને એવી ર્ગિભત ધમકી આપેલી કે જો તેઓ આ પ્રદર્શન કરશે તો તેમના જ સંતાનોનું ભાવિ જોખમાશે. આથી, આ કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.