જીએસટીમાં રીફંડ નહીં મળતાં ગુજરાતમાં વેપારીઓના રૂપિયા 9,000 કરોડ સલવાયા
સોમવાર, 4 જૂન 2018 (13:26 IST)
સરકારે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલી કર્યાના એક વર્ષ પુર્ણ થવા આવ્યુ છે પરંતુ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ ગુજરાતના વેપારીઓ, ટેક્સ નિષ્ણાતોની સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. ગુજરાતના વિવિધ સેગમેન્ટ સાથે સંકળાયેલા વેપારીઓનું અધધધ નવ હજાર કરોડનું રિફંડ બાકી છે તેમ છતાં સત્તાધીશો હાથપર હાથ રાખીને બેઠા છે. રિફંડને લઇ તાજેતરમાં વેપારીઓએ સ્ટેટ જીએસટી કમિશનરને લેખીતમાં રજૂઆત પણ કરી છે. જીએસટી રિફંડને લઇને હવે વેપારીઓની પણ ધીરજ ખૂટવા માંડી છે. ગુજરાતમાં કોઇ જીએસટી સંબંધીત ફરિયાદ નિવારણ ન હોવાથી વેપારીઓ અને ટેક્સ નિષ્ણાતો આમતેમ ધક્કે ચડી રહ્યા છે. જીએસટી રિફંડને લઇ વેપારીઓના ધંધાઓ પર ખુબ મોટી અસર થઇ છે. એક તરફ જીએસટીની આખી વ્યવસ્થા સ્ટ્રીમ લાઇન કરવાના બદલે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે જેને લઇ વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે સરકાર જીએસટીની વેબસાઇટ થી લઇ રિફંડ સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવતી નથી એવામાં ટેક્સ સમયસર ભરી દેવાનું દબાણ કરે છે આ વખતે તો 31 જુલાઇ છેલ્લી તારીખની પણ ડેડલાઇન આપી દીધી છે. જો ચુકી જશે તો એક દિવસ મુજબ પેનલ્ટી થશે. તો અમારુ છેલ્લા કેટલાય વખતથી અટકેલુ રિફંડ ક્લીયર કરવાની કોઇ વાત જ આવતી નથી. અમને રિફંડ મળશે તો ટેક્સ ભરીશું. અમારા પૈસા બાકી હોવા છતાં બીજા નવા પૈસા ટેક્સમાં કેવી રીતે ભરીએ. વેપારીઓએ વધુમાં એવો પણ રોષ ઠાલવતા કહ્યુ કે જેમ ટેક્સ ભરવાની તારીખ ચુકી જઇએ છીએ તો ડિપાર્ટમેન્ટ પેનલ્ટી વસુલે છે જ્યારે અમારી મહેનતની કમાણી રિફંડ મળતુ નથી તો ડિપાર્ટમેન્ટે અમને પણ વ્યાજ ચૂકવવુ પડે. આમ સરકાર વેપારી સાથે વન-વે ગેમ રમી રહી છે. આમ રિફંડને લઇ ગુજરાતના વેપારીઓની ફરિયાદો ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં અનેક એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ ટેક્સ નિષ્ણાતોએ રિફંડ જ્લ્દી રિલિઝ કરવા સ્ટેટ જીએસટી કમિશનર પી.ડી વાઘેલા સમક્ષ લેખિતમાં રજૂઆતો કરી હતી. જો રિફંડ સમયસર મળે તો ધંધાનું રોટેશન એક ધાર્યુ ચાલે હાલમાં બધુ ખોરવાઇ ગયુ છે. જ્યાં કમિશનરે તેમના અટકેલા રિફંડનો ઉકેલ લાવવાની બાંયેધારી આપી હતી.