અમદાવાદમાં કોરોના બેકાબૂ થતાં બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય લેવાયો

બુધવાર, 17 માર્ચ 2021 (12:32 IST)
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31મી માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ વધારે વણસી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના તમામ બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આ પહેલાં અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહિ કરે, જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર