આ નેતાઓને નહીં ઓળખો તો સમજો નોકરી ગઈ - ગાંધીનગરમાં પોસ્ટર લાગ્યાં

બુધવાર, 21 જૂન 2017 (12:31 IST)
થોડા દિવસો પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત દરમિયાન સુરક્ષા ગાર્ડ તેમને ઓળખી ન શકતા તેને તો નોકરીથી હાથ ધોવા પડ્યા હતા પરંતુ સુરક્ષા એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો. તો બીજા બનાવમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલે એક સફાઇ કર્મચારીને સસ્પેન્ડ કર્યો હતો. આ સસ્પેન્શન પાછળ એવું કારણ સામે આવી રહ્યું છે કે સ્ટે. કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન આ સફાઇ કર્મચારી તેમને ઓળખી શક્યો નહોતો. 

આવા બનાવોના પગલે બુધવારે સવારના કેટલાક અજાણ્યા લોકોએ ગાંધીનગર ખાતે બે પોસ્ટર લગાવ્યા હતા. જેમાં રાજ્યના ટોચના રાજકીય નેતાઓ અને MLA સહિત 110 નેતાઓના ફોટો હતા. તેમજ સાથે લખ્યું હતું કે ‘આમને ઓળખો નહીં તો તમારી નોકરી જશે. બંને પોસ્ટર શહેરમાં વિધાનસભા સર્કલ નજીક અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ નજીક મુકવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા અને GMC સ્ટે.કમિટી ચેરમેન મનુભાઈ પટેલના લીડ ફોટો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતશાહ સહિત અન્ય ભાજપ ધારાસભ્યોના ફોટો મુકવામાં આવ્યા હતા. જોકે આ પોસ્ટર લગાવ્યાના થોડીવારમાં જ ભાજપના કાર્યકર્તાઓ આ સ્થળે પહોંચ્યા હતા અને પોસ્ટર ઉતરાવી લીધા હતા. સ્ટે. કમિટીના ચેરમેન મનુભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે ‘ચૂંટણીને લઇને અમને બદનામ કરવા માટે કોંગ્રેસ કાવાદાવા રમી રહ્યું છે.’ સસ્પેન્ડ કરાયેલ સફાઇ કર્મચારી અને અન્ય કર્મચારીઓએ દાવો કર્યો હતો કે બપોરના સમયે કામકાજના વિરામ વખતે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે સ્ટે. કમિટીના ચેરમેન ત્યાંથી પસાર થયા હતા જોકે કોઈ તેમને ઓળખી શક્યું નહોતું તેના કારણે એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો