રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણની જોરશોરથી વાતો કરી રહી છે. તેવા સમયે ગાંધીનગરમાં જ એક તબીબ દ્વારા મજૂરી કરી પેટિયુ રળતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ જતા તેમના વર્તન સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે વેપાર કરતી ઝરીનાબેન સુભાન કટિયા હાથ રૂમાલ સહિતના નાના કપડા લાવીને વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બનાવતા ડૉ. વિકી પરીખે મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું છે.ભોગ બનનાર મહિલાએ કહ્યુ હતું કે, સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી, છતા તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 50 ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.