આજથી અંબાજીમાં યાત્રાળુઓને અંબિકા ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન અપાશે

સોમવાર, 22 જાન્યુઆરી 2024 (17:57 IST)
ગુજરાતમાં સ્થિત શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે. તેની સાથે અન્ય સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. યાત્રાધામમાં પાર્કિગ, ભોજન, સ્વચ્છતા અને ડિજિટલ ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જેમાં હવે નવિન પ્રકલ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે.

ભારત સરકાર દ્વારા પણ યાત્રાધામમાં વિવિધ વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓને હવે અંબાજી મંદિર ટ્રસ્ટના ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન મળશે. તે ઉપરાંત યાત્રાળુઓને અધ્યતન પાર્કિંગની સુવિધાઓ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. હાલમાં યાત્રિકો પાસેથી ટોકન દર લઈ ભોજન આપવામાં આવે છે. આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનું સંચાલન અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે ટ્રસ્ટની દેખરેખ હેઠળ એક કમિટિ બનાવાશે. આ કમિટિમાં સભ્યો તરીકે વિવિધ દાતાઓ, પદયાત્રિ સંઘના પ્રતિનિધિઓ, સેવા કેમ્પના પ્રતિનિધિ તથા ભાદરવી પુનમીયા સંઘના પ્રતિનિધિઓનો પણ દાતા તરીકે સમાવેશ કરવામાં આવશે.આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. અંબાજી તીર્થધામમાં દાતાઓ એક થાળી માટે રૂપિયા 51નું દાન, દિવસમાં એક ટાઈમ ભોજન દાન માટે રૂપિયા 51 હજાર અને સમગ્ર દિવસ માટે રૂપિયા 1.11 લાખ દાન સ્વરૂપે અંબિકા ભોજનાલય, અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સપેકટર કચેરી ખાતે આપી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર