રાજ્યની 223 સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં નવા શૈક્ષણિક વર્ષથી સાત નવા વિષયો દાખલ કરાશે

શનિવાર, 1 જાન્યુઆરી 2022 (21:01 IST)
નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય તે માટે તેમને નવા નવા વિષયો શિખવવામાં આવશે. અગાઉ ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી  ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી આ માહિતી આપી છે.
 
નવી શિક્ષણનીતિ અંતર્ગત વૈદિક ગણિત શીખવાડાશે
નવી શિક્ષણનીતિ અંતર્ગત 2022-23થી સ્કૂલોમાં તબક્કાવાર બાળકોને વૈદિક ગણિત શીખવવાનો પ્રારંભ કરાશે. જે અંતર્ગત 2022-23થી ધો.6-7-9માં શરૂ કરાશે, ત્યારબાદ 2023-24થી ધો. 8-10માં શીખવાશે. આ ઉપરાંત જરૂર પ્રમાણે વિવિધ ધોરણોમાં બ્રિજ કોર્ષ પણ શરૂ કરાશે, જેથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવામાં મુશ્કેલી પડે નહીં. સ્કૂલોના વિવિધ ધોરણોમાં તબક્કાવાર વૈદિક ગણિત શીખવાડાશે. જેનો આગામી શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરાશે. પ્રથમ ધો. 6-7-9માં અમલ કરાશે. સાથે જ 2022-23માં ધો.7 અને 9માં બ્રિજકોર્ષ શરૂ કરાશે. ઉપરાંત અભ્યાસક્રમની તાલીમ જીસીઇઆરટી દ્વારા યોજાશે. 
 
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સ સાથે પરીક્ષા આપવી પડશે
કોરોનાને કારણે ગુજરાતમાં દોઢ વર્ષ પછી ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ છે, જેની શિક્ષણ પર પણ અસર પડી છે. એમાં પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડ્યું હતું. જોકે ચાલુ વર્ષે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, પરંતુ CBSEએ 30 ટકા કોર્સ ઘટાડતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ગુજરાત બોર્ડ સમક્ષ 30 ટકા કોર્સ ઘટાડાની માગ કરી રહ્યા છે. જોકે કોર્સ શિક્ષણ વિભાગે ઘટાડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, જેને કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને પરિણામ પર પણ અસર પડી શકે છે.
 
સ્કિલ કોર્સ શરૂ કરવા સ્કૂલોમાં ઉદાસીનતા
નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં બાળકોની સ્કિલનો વિકાસ થાય તેવા કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત અમદાવાદમાં 60 જેટલી સ્કૂલોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ પણ માત્ર 2 સ્કૂલે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી છે. દરેક સ્કૂલ એવું માને છે કે, જો પોતે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરશે તો શિક્ષકની વ્યવસ્થા પણ પોતે જ કરવી પડશે. જ્યારે સરકાર દ્વારા આ મુદ્દે પણ વિચાર થયો છે. સ્કૂલો પર આર્થિક ભારણ પડશે નહીં, પરંતુ સ્કૂલોએ આ માટેની વ્યવસ્થા પોતાના કેમ્પસમાં કરવી જોઈએ. આથી બાળકોને અભ્યાસની સાથે સ્કિલ આધારિત વિવિધ કોર્સની માહિતી પણ મળશે. ઉપરાંત સ્કૂલોમાં શરૂ થનારા કોર્સ વિદ્યાર્થીને ભવિષ્યમાં નોકરી માટે મદદરૂપ થશે, પરંતુ સ્કૂલો પોતાના સ્વાર્થ માટે આ કોર્સમાં જોડાઈ રહી નથી.
 
આ સાત વિષયોનો ઉમેરો થશે
એગ્રીકલ્ચર ( પ્રાકૃતિક ખેતી)
એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ
ઓટોમોટિવ
બ્યુટી એન્ડ વેલનેસ
ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર
રિટેઇલ
ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર