દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખીને આરોપીઓ નકલી નોટો છાપવાનું કામ કરતાં હતાં.
આરોપીઓ બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું.
પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે એલસીબીના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, શૈલેષ નામનો માણસ તેની ઈકો કારમાં નકલી ચલણી નોટોનો જથ્થો લઈને ચાંદખેડા વિસ્તારમાંથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને શૈલેષ ક્વિશ્ચન નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક કોલેજ બેગમાંથી 500ના દરની બનાવટી નોટોના 20 બંડલ મળી આવ્યાં હતાં. જેની કિંમત 10 લાખની થાય છે.
પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી
ત્યાર બાદ પોલીસે આ શખ્સની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે તેના મિત્ર પરાગ તથા બે મિત્રોની મદદથી દાસ્તા સર્કલ પાસે એક મકાન ભાડે રાખીને તેમાં લેપટોપ અને કલર પ્રિન્ટરો મારફતે બનાવટી ચલણી નોટો બનાવે છે. પોલીસે આરોપી શખ્સના કહેવા પ્રમાણે મકાન પર દરોડો પાડતાં મકાનમાંથી 500ના દરની નોટોના 30 બંડલ, 200ના દરની નોટોના 5 બંડલ સહિત લેપટોપ અને પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ પકડાયો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.