સુરતમાં શાકભાજી માર્કેટમાં ભીષણ આગ ફાટી નિકળી, 3 દુકાનો બળીને ખાક થઈ ગઈ

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:10 IST)
 

સુરતમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા સરદાર નગર નજીકના શાક માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સવારના સમયે લાગેલી આગમાં એક પછી એક ત્રણ દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલીક દોડી આવતાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ ન થતાં લોકો રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું કે પુણાગામ સરદારનગરમાં શાકભાજી માર્કેટની સાથે કેટલીક દુકાનો આવેલી છે. આજે વહેલી સવારે અચાનક એક દુકાનમાં આગ લાગ્યા બાદ આજુબાજુની બે દુકાન પણ આગની લપેટમાં આવી જતાં લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

વહેલી સવારે શાકભાજી માર્કેટમાં ખરીદી માટે આવતા નાના વેપારીઓમાં આગને લઇ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આગ લાગવા પાછળનું કોઇ કારણ જાણી શકાયું નહોતું. સરદાર માર્કેટમાં એક દુકાન ઇલેકટ્રોનિક રીપેરીંગની પણ હતી. જેમાં શોર્ટ સર્કીટ થવાના કારણે પણ આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. ત્યારે બીજી બાજુ શાકભાજી માર્કેટ હોવાના કારણે કચરો સળગાવ્યા બાદ પણ લાકડાના કેબીનોમાં આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. જોકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનો દોડી આવતા આગને કાબૂમાં લેવામાં સરળતા રહી હતી.  

વેબદુનિયા પર વાંચો