સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ વધુ રિમાન્ડ માગી શકે

શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (16:14 IST)
સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલના રિમાન્ડ આજે સાંજે 4 વાગ્યે પુરા થઈ રહ્યા હોય આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરાશે. સંભવત: પોલીસ આરોપીના વધારાના રિમાન્ડ માગી શકે છે.આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. અગાઉ કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કર્યો હતો. ગ્રીષ્માના હત્યારા ફેનિલને પોલીસ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.હત્યા પહેલા ફેનિલની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં ફેનિલ તેના મિત્ર સાથે વાત કરી હતી અને ગ્રીષ્માની હત્યા કરવાનું કહ્યું હતું. આ ટેપનો વોઇસ ફેનિલનો જ હતો કે કેમ? તે જાણવા માટે ફેનિલ પાસે 25 જેટલા ડમી વાક્યો 3-3 વખત બોલાવી ટેસ્ટ કર્યો હતો.દરમિયાન ગ્રીષ્માના કેટલાક પરિજનો મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાને મળ્યા હતા અને ઝડપથી ન્યાયની રજૂઆત કરી, કેસ હાલના પીપીપી જ ચલાવે એવી માંગ કરી હતી. ઉપરાંત લીગલ એઇડની પણ મુલાકાત કરી સરકારી વળતર સ્કીમ હેઠળ વળતર માટેની પ્રોસેસ પણ નયન સુખડવાલાએ શરૂ કરી દીધી છે.આ હત્યા કેસ સુરતનો એવો પહેલો કેસ બની શકે છે જેમાં સૌથી ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય. અગાઉ હત્યા અને રેપના ગુનામાં પોલીસે 7 દિવસમાં પણ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પણ આવતા અઠવાડિયામાં જ ચાર્જશીટ તૈયાર કરવાની પોલીસની તૈયારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર