આ તે કેવી મજબૂરી!!! એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતાં સ્મશાન ગૃહ સુધી લારીમાં લઇ જવો પડ્યો મૃતદેહ

ગુરુવાર, 8 એપ્રિલ 2021 (09:54 IST)
રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર હદય કંપી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સતત કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. પીએમ રૂમથી લઇને સ્મશાન ગૃહમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે લારીમાં લઇ જવાની ફરજ પડી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા પરિવારમાં 65 વર્ષીય વૃદ્ધાનું અકાળે કુદરતી અવસાન થયું હતું. પરિવારજનો દ્વારા એમ્બ્યુલન્સ તેમજ શબવાહિનીની સેવા પૂરી પાડતી સરકારી એજન્સીઓ તેમજ સંસ્થાઓમાં સંપર્ક કર્યો હતો. પરંતુ વડોદરા શહેરમાં કોરોનાના ચાલી રહેલા કહેરના કારણે એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સ્મશાન સુધી લઈ જવા તેમજ કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વ્યસ્ત હોવાના પગલે નાગરવાડાના પરિવારને એમ્બ્યુલન્સ કે શબવાહિની મળી ન હતી.
જેથે પરિવારજનોને મૃતદેહને લારીમાં લઇ જવા મજબૂર બન્યા હતા. વડોદરાના નગરવાડા વિસ્તારથી દોઢ કિલોમીટર દૂર ખાસવાડી વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું હોવાથી પરિવારજનોને દોઢ કિલોમીટર સુધી મૃતદેહની સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. આવા કોરોનાના કપરાકાળમાં પોતાના પરિવારજનને અંતિમ સમયે એમ્બ્યુલન્સ કે શબવાહિની નસીબ થતાં તંત્ર માટે શરમજનક વાત છે. આ દ્રશ્યો જોઇ રસ્તે ચાલતા લોકોના હદય કંપી ઉઠ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર