સુરતમાં કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ, 6 કામદારોનું રેસ્ક્યૂ કરાયું

શનિવાર, 18 નવેમ્બર 2023 (11:46 IST)
Factory fire in Surat
સુરતમાં કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતાં છ માણસો ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ કોલ મળતાંની સાથે જ વહેલી સવારે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ આગમાં ફસાયેલા છ કામદારનું રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતમાં આજ સવારે 4.15 વાગ્યે લસકાણા સ્થિત આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 176થી 180માં લુમ્સના કારખાનામાં ચોથા માળે આગ લાગી હતી. ચોથા માળે કામ કરી રહેલા છ કામદાર ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે ચોથા માળેથી છ કામદારોને રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની નવ ગાડીઓ દ્વારા પાંચ કલાક જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં લુમ્સના કારખાનામાં રહેલા 12 ડીએફઓ મશીન, 3 વાઈંગ મશીન અને 250 ટન યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

કતારગામ વિસ્તારમાં આવેલા રેમ્બો એપાર્ટમેન્ટમાં બીજા માળે આગની ઘટના બની હતી. બીજા માળે હીરાના કારખાનામાં હીરા બોઈલર કરતા સમયે આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. કારખાનામાં કામ કરી રહેલા 8 રત્ન કલાકાર ફસાઈ ગયા હતા. તેમને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. આગ પર ગણતરીની મિનિટોમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર