શું પોલીસ અને ભાજપના કાર્યકરોને કાયદો નથી નડતો સામાન્ય માણસ જ કેમ દંડાય છે ?
મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (12:22 IST)
કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં ટ્રાફિક નિયંત્રણ ખાસુ ચાલ્યુ પણ બાદમાં પરિસ્થિતી જૈસે થે જેવી જ જોવા મળી રહી છે. આ અંતર્ગત પોલીસે ડ્રાઈવિંગ લાયસન્સ, હેલ્મેટ અને રોડ પર સિગ્નલ પોઈન્ટ પર ઉભા રહેવા માટેના પટ્ટા ઓળંગતા લોકોને દંડ ફટકાર્યો. હજીયે રોડ પર રોજ અનેક લોકો કાયદેસર ગુનો આચર્યો હોવાને લીધે ટ્રાફિક ભંગનો દંડ ભરી રહ્યાં છે ત્યાં સુધી બરાબર છે. ઘણીવાર તો પોલીસ અને લોકો વચ્ચે મારામારીના પણ દ્રશ્યો જોવા મળ્યાં છે. ત્યારે હાલમાં ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંદર્ભે ગુજરાતમાં એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગીના કારણે આ યાત્રા સુપર ફ્લોપ પુરવાર થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ચાલી રહેલી એકતા યાત્રા દરમિયાન ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા એકતા યાત્રામાં સરેઆમ ટ્રાફિક ભંગ કરવામાં આવી રહ્યો છે. હેલમેટ વગર ટૂ-વ્હીલરમાં યાત્રામાં જોડાય છે. જેની સામે પ્રજામાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ભાજપના સ્થાનિક આગેવાનો ખુલ્લેઆમ ટ્રાફિક ભંગ કરી રહ્યાં છે ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એકતા યાત્રામાં હેલમેટ સાથે બાઈક પર જોડાયા હતા. આમ ભાજપના નેતાઓએ ગૃહમંત્રી પાસેથી કાયદાની શીખ લેવાની જરૂર છે.