ઈ-મેમોની શરૂઆત - પહેલા જ દિવસે 1000 ઇ-મેમો ફટકારાયા

સોમવાર, 16 એપ્રિલ 2018 (13:36 IST)
ઇ-મેમો ફરી શરૂ થતાં જ રવિવારની રજામાં ઓછા ટ્રાફિક વચ્ચે પણ લોકોમાં સ્વયંશિસ્તના દર્શન થવા લાગ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની ઈ-મેમો પદ્ધતિ ફરી શરૂ થઈ છે. શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિકના નિયમોની ‘ઐસી-તૈસી’ કરતાં વાહનચાલકો કેમેરામાં કેદ થઈ જશે અને ઘરે જ ઈ-મેમો ફટકારવામાં આવશે. ત્રણ મહિના પછી ફરી ઈ-મેમો બનાવવાનું શરૂ થયું તેના પહેલાં દિવસે ટ્રાફિક પોલીસે વધીને 1000 ઈ-મેમો બનાવ્યાં છે. ટ્રાફિક શાખાના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે, લોકોને ખોટા ઈ-મેમો ન મળે તેની ચિવટ રાખવા માટે જરૂરી સિસ્ટમ ગોઠવાઈ રહી છે. બે-ત્રણ દિવસમાં દરરોજના 5000 ઈ-મેમો તૈયાર થઈ જશે.

ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને આગામી બુધવાર, ગુરૂવારથી ‘સ્પીડપોસ્ટ’માં ઈ-મેમો મળતાં થઈ જશે. ઈ-મેમો મળતાં લોકો જુની પદ્ધતિએ જ દંડ ભરવાનો રહેશે.  આજથી ટ્રાફિક ઈ-મેમો સિસ્ટમ ચાલુ થતાં જ હેલમેટની ખરીદી જોવા મળી હતી. કેમેરામાં હેલમેટ વગર પકડાઈ ન જવાય તે માટે અસંખ્ય વાહનચાલકોએ રવિવારની રજાના દિવસે હેલમેટની ખરીદી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે ઓછો ટ્રાફિક હોવા છતાં વાહનચાલકો ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહેવાથી માંડી કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમભંગ ન થાય તેની તકેદારી રાખવા જાગૃત જોવા મળતાં હતાં. ઈ-મેમો પદ્ધતિ ફરી શરૂ થતાં કેમેરાની ‘તિસરી આંખ’થી બચવા માટે લોકો વધુ સતર્ક થઈ ગયાં છે. આવનારાં દિવસોમાં ટ્રાફિક ઈ-મેમોની સંખ્યા વધશે તેમ સ્વયંશિસ્ત વધવા પોલીસ આશાવાદી છે. નવી પદ્ધતિના ઈ-મેમોના પૈસા ભરવા માટે પ્રજાજનો નજીકના પોલીસ સ્ટેશન, કોઈપણ ટ્રાફિક પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઉપરાંત https://payahmedabadechallan.org/ ઉપર દંડની રકમ ઓનલાઈન ભરી શકાશે. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, લોકોને ઈ-મેઈલથી કે SMSથી ઈ-મેમો મળે તેવી વ્યવસ્થા ગોઠવતાં સમય લાગશે. કારણ કે, RTOના ડેટામાં હજુ લોકોના ઈ-મેઈલ આઈડી અને ફોન નંબરની સુધારણા ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર