જગત મંદિરના શિખર પર રીપેરીંગ કામ કરી કેસરી ધ્વજા ચડાવાઇ

સોમવાર, 19 જુલાઈ 2021 (17:35 IST)
ગત મંગળવારના રોજ દ્વારકા જગત મંદિરની ધ્વજા દંડ પર વીજળી પડી હતી. ત્યારબાદ ધ્વજા આરોહરણ મંદિર પર અડધી કાઠીએ થતું હતું. ત્યારે ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિ એવી ગૂગળી જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા જગત મંદિરના ધ્વજા દંડ પર થયેલ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. 
 
આશરે 15 જેટલા અનુભવી કારીગરો દ્વારા 7 મંજલા જગત મંદિરના શિખર પર રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધ્વજા શિખર પાસેની પાટલી અને સ્તંભ પર 3 નવી તાંબાની રીંગ બેસાડી લાઈટિંગ અરેસ્ટર ફીટ કરવામાં આવ્યા છે. 
 
આ લાઈટિંગ અરેસ્ટર વીજળી સામે બચાવ કરી શકે છે. આ એરેસ્ટર લગાવ્યા બાદ રવિવારની પહેલી કેસરી ધ્વજા જગત મંદિરના શિખર પર આરોહણ કરવામાં આવી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં જગત મંદિરની ધ્વજા પર વીજળી પડતાં દંડને નુકસાન થયું હતું. ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો પણ વાઈરલ થયો હતો.  જ્યારે લોકો માની રહ્યા છે કે ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વાભાવિક છે કે આ વીજળી મંદિર આસપાસના રહેણાક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત. 
 
મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા છે, જેને શ્રદ્ધાળુઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. ધજા ફરકાવવા માટે વર્ષ 2023 સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. નવું બુકિંગ અત્યારે બંધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર