ધોળીધજા ડેમ ઓવરફ્લોની તૈયારીમાં, નર્મદા કેનાલનું પાણી બંધ કરાયું

ગુરુવાર, 11 જૂન 2020 (15:19 IST)
અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી સપ્તાહના અંત સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. ત્યારે સૌરાષ્ટ્રના પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 
 
ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. ધોળીધજા ડેમમાંથી પાણી બોટાદ પહોંચીગ ગયું છે. કેનાલો પરના મશીનો તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા સમયમાં જ ડેમ ઓવરફ્લો થઇ જશે.તંત્રએ નદીના પટમાં નહિ જવા ચેતવણી આપી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસનાં વિસ્તારમાં મોડીરાતે મેઘમહેરના લીધે ડેમની સપાટી વધી છે. બુધવારે મોડી રાતે ચોટીલા, સાયલા, લીંબડી, વઢવાણ, સુરેન્દ્ર નગર સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ધોળીધજા ડેમમાં છોડાતું નર્મદા કેનાલનું પાણી તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે.
 
જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક ઝાડ જમીન દોસ્ત બન્યા હતાં. પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે બીજી બાજુ ખેડૂતો માટે વરસાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર