અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનારની ધરપકડ થશે

ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (12:10 IST)
અમદાવાદઃ દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ રાતે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકશે. તો ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનારા શહેરીજનો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરશે. સુપ્રીમ કોર્ટે રાતે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે. જેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે રાતે 10 વાગ્યા પછી કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે.ફ્લિપ કાર્ડ, એમેઝોન સહિતની કોઇ પણ ઈ - કોમર્સ વેબ સાઈટ ઉપર ફટાડકાના ઓનલાઈન વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. જેથી આ કે આવી કોઇ પણ વેબ સાઈટ ઉપર ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાનો, ન્યાયાલયો તેમજ ધાર્મિક સ્થળોના 100 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ વિસ્તારને સાઈલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે. જેથી આ તમામ જગ્યાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર