દિવાળી બાદ હીરાના 20 ટકા કારખાના ખૂલ્યાં જ નથી: 15મીથી આંદોલન

ગુરુવાર, 9 મે 2019 (13:32 IST)
હીરા ઉદ્યોગમાં ફરી વેકેશન પાડવા તૈયારીઓ આદરાતા રત્નકલાકારો ફફડી ઊઠયા છે. કોઈપણ સંજોગોમાં વેકેશન નહિ પાડવા અને જો એમ થશે તો 15મીથી આંદોલન કરવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું. ડાયમંડ યુનિયનના પ્રમુખ રમણભાઈ જીલરિયાના જણાવ્યા અનુસાર દિવાળીના વેકેશન પછી અંદાજે 25થી 30 ટકા કારખાના તો ખૂલ્યા જ નથી. જે કારખાના ખુલ્યા તેમના કારીગરોના પણ 20થી 30 ટકા પગાર મંદીનો ભય બતાવી ઘટાડી નાખવામાં આવ્યા છે. કારીગરોનું માનસિક શોષણ કરી મફતમાં હીરા બનાવવાની એક રીત અજમાવવામાં આવી રહી છે. આવા સમયે હીરાના કારખાનાના માલિકો વધુ એક વેકેશન જાહેર કરવામાં આવે તો કારીગરો આર્થિક રીતે પડી ભાંગશે. દરમિયાન કોઈને આપઘાત કરવાનો સમય પણ આવશે તો જવાબદાર કોણ ઠરશે? દરમિયાન આપઘાત કરનાર રત્નકલાકારોના બાળકોના શિક્ષણ અને જીવનનિર્વાહની જવાબદારી કોણ ઉઠાવશે? તેવા સવાલો રત્નકલાકાર યુનિયને ઉઠાવી કોઈ સંજોગોમાં વધારાનું હીરા ઉદ્યોગનું વેકેશન નહિ પાડવા માગણી મૂકી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર