વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યા બાદ ધોળાવીરા સરહદી કચ્છ જિલ્લાના પ્રવાસન માટે બનશે લેન્ડમાર્ક

ગુરુવાર, 29 જુલાઈ 2021 (09:55 IST)
ચીનના ફૂઝોઉ શહેરમાં ચાલતી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના ૪૪મા સત્ર દરમિયાન ધોળાવીરાને "વિશ્વ વિરાસત સ્થળ" જાહેર કરાયું છે. ત્યારે દેશની પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઈન્ડો પાક બોર્ડર નજીક વિશ્વની માનવ સભ્યતાની 4500 વર્ષ જૂની ધરોહર સાચવી બેઠેલા ધોળાવીરાની વિશેષતા શું છે એ જાણીએ. આજે આપણે સ્માર્ટ સીટી કે શહેરીકરણમાં પશ્ચિમી દેશો વિશે વાત કરીએ છીએ. પણ, સિંધુ નદીના કાંઠે વસેલું ધોળાવીરા આપણને 4500 વર્ષ પૂર્વેની મોડર્ન ટાઉનશીપ વિશે જાણકારી આપે છે.
 
જોકે, આ ઐતિહાસિક ધરોહર કેમ શોધાઈ તે વિશે વાત કરીએ તો, દુષ્કાળમાં ચાલતા અછત રાહતકામમાં તળાવના ખોદકામ દરમિયાન મસ્ટર ક્લાર્ક શંભુદાન ગઢવીને એક સીલ મળ્યું. ઇતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીઓને રસ પડે એવા આ સીલને લઈ ધોળાવીરાના તત્કાલીન સરપંચ સ્વ. વેલુભા સોઢા ભુજ આવ્યા. 
 
અહીં ભુજમાં મ્યુઝિયમના ક્યુરેકટર દ્વારા આ સીલ પુરાતત્વવિદો સુધી પહોંચ્યું. જેને પગલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંશોધન શરૂ થયું અને અહીં હડ્ડપીયન સંસ્કૃતિ સાથેનું નગર હોવાનું અનુમાન થયું. ઇ.સ. 1989માં અહીં ઉત્ખનન કાર્ય શરુ થયું. આર્કિયોલોજી કચેરીના ડાયરેકટર આર.એન. બિસ્ટ 1989થી 2006 સુધી 17 વર્ષ ચાલેલા ઉત્ખનન કાર્ય દરમિયાન ધૂણી ધખાવી ૧૭ વર્ષ અહીં રહ્યા.
 
ધોળાવીરાને નજીકથી જાણનાર ઓળખનાર ડો. બિસ્ટના મતે ધોળાવીરાએ સિંધુ સંસ્કૃતિના ૧૫૦૦ વર્ષનો ઈતિહાસ જોયો છે. તે સિંધુ સભ્યતાની ચડતી પડતીનું સાક્ષી રહ્યું છે. ખોદકામ દરમિયાન અહીં મળેલા પુરાવાઓ ઘણી બધી માહિતી આપે છે. દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ, ન્હાવા માટે સ્નાનાગાર, પાણી અને ગટરનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન, શહેરની અંદર બહાર જળસંગ્રહ માટે તળાવ, શહેરની બહાર કિલ્લો, અંદર અન્ય કિલ્લાઓ, રાજાના મહેલનો કિલ્લો, શહેરમાં પ્રવેશ માટે પ્રવેશદ્વાર, સંગીતના સાધનોના અવશેષો પણ ધોળાવીરામાંથી મળી આવ્યા છે. નગરરચનાની વાત કરીએ તો,  ધોળાવીરા એ ત્રણ ભાગમાં વહેચાયેલું નગર (ટાઉન) હતું જેમાં મિડલ ટાઉનમાં સત્તાધીશો અથવા વહીવટકર્તા, લોઅર ટાઉનમાં લોકોની વસાહત અને અપર ટાઉનમાં કારીગરો રહેતા.
 
કચ્છના ઇતિહાસવિદ્ નરેશ અંતાણી કહે છે કે, અત્યારે વિશ્વમાં મળી આવેલા પાંચ હડપ્પીયન શહેરો પૈકી ધોળાવીરા સહુથી મોટું હોવાનું જણાય છે. તે સમયે દરિયાઈ માર્ગે વ્યાપાર થતો હોવાનું, ચીજ વસ્તુઓના વિનિમય મારફતે વ્યાપાર થતો હોવાનું,  સ્ત્રીઓ ઘરેણાં પહેરતી હોવાનું મોતીના દાગીનાના અવશેષો પરથી જાણી શકાય છે. તે ઉપરાંત લિપિ ધરાવતા બોર્ડના અવશેષ પણ મળ્યા છે. આમ, ધોળાવીરા એ સમયે પૂર્ણ વિકસિત માનવ સભ્યતાના ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે. 
 
વર્લ્ડ હેરિટેજમાં ધોળાવીરાને સ્થાન મળ્યું છે એ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા ધોળાવીરા ગામના સરપંચ જીલુભા વેલુભા જાડેજા ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે, કોરોના પૂર્વે અહીં વર્ષે સરેરાશ ૮૦ હજારથી એક લાખ પ્રવાસીઓ આવતા. તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા અહીં ધોળાવીરાના ગ્રામજનો દ્વારા સંચાલિત ૪૫ રૂમ, ૨૦ ટેન્ટ અને ૧૦૦ બેઠકની સુવિધા સાથેનો રિસોર્ટ ઊભો કરાયો છે. જોકે, વર્ષે માંડ ૩૦૦ જેટલા જ વિદેશી પ્રવાસીઓ જ ધોળાવીરાની મુલાકાત લે છે. 
 
પરંતુ, યુનેસ્કોની આ જાહેરાત બાદ હવે દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવશે એ ધ્યાને લઈને અત્યાર સુધી માળખાગત સુવિધાઓથી વંચિત ધોળાવીરામાં બેંક, પોસ્ટ ઓફિસ, રોડ, પીવાના પાણી માટે નજીકની નર્મદા કેનાલમાંથી પાઈપ લાઈન, અવરજવર માટે એસટી બસ સહિતની સુવિધાઓ વિક્સશે. તો, ઘડુલી (કચ્છ)થી સાંતલપુર (બનાસકાંઠા) વચ્ચે રણમાંથી પસાર થતો નેશનલ હાઈવે બને છે. 
 
જે પૂર્ણ થતાં પશ્ચિમ કચ્છના માતાના મઢ, લખપત, હાજીપીર, સફેદરણ, કાળો ડુંગર જેવા  પ્રવાસન સ્થળો સાથે પૂર્વ કચ્છના ધોળાવીરાનું અંતર ઘણું બધું ઘટી જશે. કચ્છની પ્રવાસન સરકીટ જોડાઈ જશે. પરિણામે ભુજ અને અન્ય શહેરોથી ધોળાવીરા પહોંચવું પ્રવાસીઓ માટે સરળ બનશે.
 
રસ્તો તૈયાર થશે તો ઉત્તર ગુજરાત અને અમદાવાદના પ્રવાસીઓ પણ સરળતાથી ધોળાવીરા પહોંચી શકશે. હવે પાણીની અછત અને ઓછી વસ્તી ધરાવતા આ સરહદી ક્ષેત્ર માટે પ્રવાસન દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે જેના કારણે હિજરત થતી અટકશે તેમજ સીમા વિસ્તાર ધમધમી ઉઠશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર