કરફ્યુ ભંગની ભારે સજા - લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં

મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (16:28 IST)
વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીને કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલાં નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.
 
વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી છે. વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીને લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલાં નવદંપતી અને તેનાં પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.
 
ગુજરાતના ઈતિહાસમાં બનેલી આ પ્રથમ ઘટનાને વરપક્ષ તરફથી પોલીસ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કેઅમે માફી માગી હતી અને કહ્યુ કે કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો, પરંતુ પોલીસે અમારી વાત ન માની અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે, જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગતિ કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર